મુંબઈઃ રિઝર્વ બેન્કે અકાઉન્ટ એગ્રિગ્રેટર (સહમતી પ્લેટફોર્મ) સેવા શરૂ કરી છે. આ પ્લેટફોર્મથી ગ્રાહકોએ લોન લેવા, વીમો કરાવતી વખતે કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ કરવા માટે નો યોર ક્લાયન્ટ (KYC) કરવાની જરૂર નહીં રહે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે દેશમાં એગ્રિગ્રેટર ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં છે, પણ એને વ્યવસ્થિત કરવાની જરૂર છે.
એકાઉન્ટ એગ્રિગ્રેટર પ્લેટફોર્મ ઉપયોગકર્તાના ડેટા તેમની સહમતીથી એકત્ર કરવાની મંજૂરી આપે છે અને એ નાણાંસંસ્થાઓને શેર કરવામાં આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, IDFC બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક એચડીએફસી બેન્ક, ફેડરલ બેન્ક અને ઇન્ડ્સઇન્ડ બેન્કોએ ગ્રાહકોના ડેટા એગ્રિગ્રેટર નેટવર્કથી શેર કરવાની યોજના બનાવી છે, જેથી બેન્કો અને નાણાસંસ્થાઓને નવા ગ્રાહક પ્રાપ્ત કરવામાં મદદ મળશે. જોકે બેન્કો અને નાણાસંસ્થાઓએ ગ્રાહકોના ડેટા શેર કરવા માટે તેમની મંજૂરી લેવી પડશે.
રિઝર્વ બેન્કે એકાઉન્ટ એગ્રિગ્રેટર માટે ડેટા પ્રાઇવસીની ગાઇડલાઇન્સ તૈયાર કરી છે, બેન્ક જે ડેટા અકાઉન્ટ એગ્રિગ્રેટરની સાથે શેર કરશે, એ સંપૂર્ણ રીતે એ સુરક્ષિત હશે, કોઈ પણ અન્ય એ ડેટા મેળવી નહીં શકે.