નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ શરૂ થતા વિશ્વ સામે બીજું સંકટ ઊભું થયું છે. એ સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં એક સપ્તાહમાં બે ટકાથી વધુ તેજી થઈ છે. બ્રેન્ટનો ભાવ 88 ડોલરને પાર થયો છે, જ્યારે WTIમાં પણ 86 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર ક્રડ ઓઇલ રૂ. 7200ની આસપાસ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી તેજી ઇઝરાયેલ-હમાસ જંગ છે.
મધ્ય-પૂર્વના દેશોથી સપ્લાયમાં ઘટાડો થવાની આશંકાએ ક્રૂડ ઓઇલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે હવે વેનેઝુએલાથી ક્રૂડના સપ્લાયમાં વધારો થવાની અપેક્ષા છે.
ક્રૂડ 100 ડોલરને પાર થશે?
ગયા મહિને ક્રૂડ ઓઇલના ભાવ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા હતા. જે પછી ગયા સપ્તાહે કિંમતોમાં આશરે નવ ટકાનો ઘટાડો થયો હતો.પાંચ ઓક્ટોબરની ઓપેકની બેઠકમાં ઉત્પાદનમાં કાપને યથાવત્ રાખવાના નિર્ણયે કિંમતોમાં ઘટાડો થયો હતો, પણ હવે વિશ્લેષકોને ડર છે કે ક્રૂડની ઓઇલની કિંમતો કેટલોક સમય ઊંચી રહે એવી શક્યતા છે. વળી ક્રૂડ ઓઇલની કિંમતો 100 ડોલરને પાર થાય એવી શક્યતા ઓછી છે.
દેશમાં હાલના સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એ જોતાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થાય વી શક્યતા નહીંવત્ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો છતાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શક્યકા ઓછી છે.