ફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક

વોશિંગ્ટનઃ અમેરિકી કંપનીઓને ભારત ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે મૂડીરોકાણની ઊજળી તકો છે. ભારતના એમમ્બેસેડર તરણજિત સિંહ સંધુએ ફાઇઝરના CEO આલ્બર્ટા બોરલા, થર્મો ફિશરના CEO માર્ક કેસ્પર, એન્ટિલિયા સાન્ટિફિકના ચેરમેન અને CEO બર્નાર્ડ બ્રસ્ટ અને પાલ લાઇ સાયન્સિસના જોસેફ રેપ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ દરમ્યાન તેમણે સાયટિવાના CEO અને પ્રમુખ ઇમાન્યુઅલ લિગનર સાથે પણ ફોન પર વાત કરી હતી.

ફાર્મા કંપનીઓ સાથેની વાતચીત દરમ્યાન સંધુએ જણાવ્યું હતું કે ભારત ફાર્મા અને મેડિકલ ડિવાઇસિસ ક્ષેત્રે અમેરિકી ફાર્મા કંપનીઓ તરફથી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે ભારતે હાલમાં ઉત્પાદન સાથે ઇન્સેન્ટિવ પ્રોત્સાહન યોજના શરૂ કરી છે, જે અમેરિકી ફાર્મા કંપનીઓને ભારતમાં મૂડીરોકાણની નવી તકો પૂરી પાડે છે.

સોમવારે બોરલાએ કહ્યું હતું કે ફાઇઝર ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતિત છે અને કંપની ભારતીયોને કોરોનાની સામેની લડાઈમાં દરેક સંભવ મદદ કરવા તૈયાર છે.

સંધુએ ગયા સપ્તાહે બોરલાની સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું કે ફાઇઝર ભારતમાં રસી સહિતના હેલ્થકેરના પ્રયાસોને ટેકો આપશે. તેમણે જાહેર કર્યું હતું કે માનવતાવાદી રિલીફના પ્રયાસોમાં કંપની ભારતને કોરોના સામેની લડાઈમાં મદદ કરશે. આ ઉપરાંત કંપનીએ જાહેર કર્યું હતું કે આગામી ત્રણ મહિનામાં કંપની સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સાત કરોડ ડોલરની દવાઓ મોકલાવશે. આ પ્રયાસથી ભારતમાં હજારો  દર્દીઓને રાહત થશે.