મુંબઈઃ ભારત સરકાર હસ્તકની જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી – ભારતીય જીવન વીમા નિગમ)નો સૌપ્રથમ પબ્લિક ઈસ્યૂ (આઈપીઓ) આજે ઈન્વેસ્ટરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 9 મેના સાંજે પાંચ વાગ્યા સુધી ભરણા માટે ખુલ્લો રહેશે. આ જાહેર ભરણા દ્વારા એલઆઈસી કંપની રૂ. 21,000 કરોડ પ્રાપ્ત કરવા ધારે છે. દેશની મૂડીબજારનો અત્યાર સુધીનો આ સૌથી મોટો પબ્લિક ઈસ્યૂ છે. આ ઈસ્યૂની પ્રાઈસ બેન્ક રૂ. 902થી રૂ.949 સુધીની છે.
આ પબ્લિક ઈસ્યૂ મારફત રીટેલ ઈન્વેસ્ટરો પણ એલઆઈસી કંપનીમાં મૂડીરોકાણ કરી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો એલઆઈસીનો શેર લિસ્ટિંગના દિવસે નફો કરાવી શકે છે. એલઆઈસી કંપનીએ તેના પોલિસીધારકોને એસએમએસ મોકલીને એલઆઈસીના શેર ભરણામાં પૈસા રોકવાની છૂટ આપી છે. એ માટે તેણે 10 ટકાનો ક્વોટા રાખ્યો છે. તે ઉપરાંત એમને પ્રતિ શેર 60 રૂપિયાની છૂટ પણ અપાશે.