રેપો રેટમાં વધારાથી શેરબજારમાં કડાકોઃ EMI વધશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.40 ટકાનો તત્કાળ વધારો જાહેર કર્યો છે. જેથી રેપો રેટ હવે ચારથી વધીને 4.40 ટકા થયો છે. મોનિટરી પોલિસી કમિટી (MPC)ની અચાનક થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. RBIએ આ વધારો US ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરોમાં વધારો કર્યાના ઠીક પહેલાં કર્યો હતો. દેશમાં રિટેલ ફુગાવામાં ચરમસીમાએ પહોંચતાં RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. CPI છેલ્લા ત્રણ મહિનાથી RBIના નિયત કરેલી સીમાની ઉપર છે. આ સાથે RBIએ કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ વધારીને 4.5 ટકા કર્યો છે.

RBIની રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. જેથી BSE  સેન્સેક્સ 1400થી વધુ તૂટ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી ફિફ્ટી 450 પોઇન્ટ તૂટ્યો હતો.

RBIના ગવર્નર દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મોંઘવારીમાં વધારો થયો છે. જેથી RBIએ ઉદાર વલણ છોડીને રેપો રેટમાં વધારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ધિરાણ નીતિનો ઉદ્દેશ મોંઘવારીમાં વધારાને રોકવાનો અને એને એક રેન્જમાં લાવવાનો છે, કેમ કે વધુ મોંઘવારીનો દર વિકાસ માટે હાનિકારક છે.

RBIએ કરેલા રેપો રેટમાં વધારાથી બેન્કો હવે લોનના વ્યાજદરો વધારે એવી શક્યતા છે. એની સીધી અસર હોમ લોન અને ઓટો લોન સહિત બધા પ્રકારની લોનો પર પડશે. હોમ લોન મોંઘી થવાથી જૂના ગ્રાહકોની લોનના વ્યાજદરમાં પણ વધારો થવાની શક્યતા છે.