LIC IPO આવતી કાલે ખૂલશે, વિગતવાર માહિતી જાણો…

નવી દિલ્હીઃ દેશનો સૌથી મોટો IPO બુધવારે ખૂલી જશે. સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની LICમાં 3.5 ટકા હિસ્સો વેચશે. LIC IPO લઈને રોકાણકારો અને પોલિસીહોલ્ડરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારે LICના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 902-949 રાખી છે, પણ પોલિસીહોલ્ડર્સને શેરદીઠ રૂ. 60 અને કર્મચારીઓને રૂ. 45ની છૂટ આપવામાં આવી છે. આ ઇશ્યુ છ દિવસ ખુલ્લો રહેશે, એટલે કે 9 મે સુધી આ ઇશ્યુ ખુલ્લો રહેશે. સરકાર આ ઇશ્યુ થકી રૂ. 21,000 કરોડ ઊભા કરવા ધારી રહી છે.

આ ઇશ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. સરકાર LICના શેરોને સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટ કરવાની નેમ ધરાવે છે. આ IPOમાં એક લોટની સાઇઝ 15 શેરની છે. રિટેલ રોકાણકારો 21૦ શેરોની સુધી અરજી કરી શકે છે.

આ દેશની સૌથી મોટી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની છે. એનો બજારહિસ્સો 61.4 ટકા છે. એ વિશ્વની પાંચમી સૌથી મોટી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની છે. કુલ એસેટ મામલે એ વિશ્વની 10મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. કંપની પાસે હાલમાં 13.5 લાખ એજન્ટ્સ છે. કંપની રૂ. 40 લાખ કરોડનો વહીવટ કરે છે, જે બધાં મ્યુચ્યુઅલ ફંડોની કુલ AUMથી વધુ છે.

કંપનીનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ શેરદીઠ રૂ. 85-90 ચાલી રહ્યું છે. LICના શેરો સ્ટોક એક્સચેન્જોમાં 17 મેએ લિસ્ટ થશે. કંપનીનો એન્કર ઇન્વેસ્ટર્સનો ક્વોટો સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો છે.