વોટ્સએપ દ્વારા નિયમ-પાલન: ભારતમાં 18-લાખ એકાઉન્ટ્સ બ્લોક કર્યા

મુંબઈઃ ફરિયાદ નોંધાવવા માટે સરકાર રચિત ચેનલો મારફત તેમજ પોતાની યંત્રણાઓ મારફત યૂઝર્સ તરફથી મળેલી ફરિયાદોને પગલે વોટ્સએપ મોબાઈલ એપ્લિકેશને ગયા માર્ચ મહિનામાં ભારતમાં 18 લાખ જેટલા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા.

ભારત સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અંગે ઘડેલા નવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વોટ્સએપે આ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. નવા નિયમ અંતર્ગત 50 લાખથી વધારે યૂઝર્સ હોય એવા મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સને દર મહિને ભારત સરકારને કોમ્પ્લાયન્સ રિપોર્ટ સુપરત કરવાનું આવશ્યક બનાવવામાં આવ્યું છે. તે અહેવાલમાં પ્લેટફોર્મ-કંપનીએ તેને યૂઝર્સ સહિત અન્યો તરફથી મળેલી ફરિયાદો તથા એણે લીધેલા પગલાં વિશેની વિગતો દર્શાવવાની રહે છે.