મુંબઈઃ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવનાર Paytmનો શેર આજે શેરબજારમાં લિસ્ટેડ થયો છે. પરંતુ આઈપીઓના રેટ કરતાં 9 ટકા જેટલું નીચું લિસ્ટિંગ થતાં પેટીએમના શેર ખરીદનારાઓને તગડું નુકસાન ગયું છે. દેશના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમનો આઈપીઓ 18,300 કરોડ રૂપિયાનો હતો, પરંતુ આજે તેના શેરના લિસ્ટિંગે ઈન્વેસ્ટરોને નિરાશ કરી મૂક્યા છે, કારણ કે ઈસ્યૂ પ્રાઈસ પ્રતિ શેર રૂ. 2,150 હતી, પરંતુ મુંબઈ શેરબજાર (બીએસઈ) પર આજે તે રૂ. 1,955ની કિંમતે – 9.07 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. આને કારણે ઈન્વેસ્ટરોને પ્રતિ શેર રૂ. 350નું નુકસાન ગયું હતું. બાદમાં પેટીએમનો શેર 27 ટકા ડિસ્કાઉન્ટ પર બંધ રહ્યો હતો. પરિણામે ઈન્વેસ્ટરોને રૂ.32,000-રૂ.33,000 કરોડ ગુમાવવાનો વખત આવ્યો છે.
પેટીએમનો શેર રાષ્ટ્રીય શેરબજાર એનએસઈ ઉપર પણ 9.3 ટકા ડિસ્કાઉન્ટ સાથે – રૂ. 1,950 પર લિસ્ટ થયો હતો. બીએસઈ પર શરૂઆતના સોદાઓ વખતે પેટીએમ શેર 20 ટકાથી પણ વધારે તૂટ્યો હતો. ઈન્વેસ્ટરોએ 4.5 કલાકમાં જ રૂ. 5,000 કરોડ ગુમાવી દીધા હતા. શેરબજારના જાણકારો હવે સવાલ કરી રહ્યા છે કે આ ખોટ કરતી કંપની ક્યારેય નફો કરતી થશે ખરી?