મુંબઈઃ આગામી વર્ષના પ્રારંભમાં વિશ્વના ટોપ ગ્લોબલ બોન્ડ ઇન્ડાઇસિસમાં ભારતને સામેલ કરવામાં આવે એવી શક્યતા છે. આગામી દાયકામાં આ બોન્ડ થકી 17થી 25 અબજ ડોલરનું મૂડીરોકાણ આકર્ષી શકાશે. જેપી મોર્ગનના પ્રભાવશાળી GBI-EM ( ગવર્નમેન્ટ બોન્ડ ઇન્ડેક્સ-ઇમર્જિંગ માર્કેટ્સ) અને ગ્લોબલ એગ્રિગ્રેટ ઇન્ડાઇસિસમાં ભારતને સામેલ કરવાની સંભાવના છે. જોકે આગામી કેટલાંક વર્ષોમાં WGBIમાં ભારતનો સમાવેશ નહીં કરે, એમ મોર્ગન સ્ટેન્લીએ જણાવ્યું હતું.
(ફોટો સૌજન્યઃ AP-PTI)
અમારી ધારણા મુજબ વર્ષ 2022-23 સુધીમાં ઇન્ડેક્સમાં ઇનફ્લો 40 અબજ ડોલરનો જોવા મળશે. એ પછી આગામી દાયકામાં વાર્ષિક ધોરણે 18.5 અબજ ડોલરનો મૂડીપ્રવાહ જોવા મળશે, જેમાં સરકારી બોન્ડમાં વિદેશી માલિકીનો હિસ્સો 2031 સુધી નવ ટકા જેટલો વધશે. જેમાં 2018થી ઘટાડો જોવા મળી રહ્યો છે.
વળી, ગ્લોબલ બોન્ડ માર્કેટમાં ભારતના સમાવેશથી સરકારને બોન્ડ માર્કેટમાં બધાં બોન્ડમાં વિદેશી પોર્ટફોલિયોની રોકાણમર્યાદાને દૂર કરવાની ફરજ પડશે. સરકારે ફુગાવાને લક્ષ્ય (ટાર્ગેટ) સુધી રાખવો પડશે, જેથી IGBs (ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ બોન્ડ્સ)ના વાસ્તવિક દરોમાં વધારો થશે. આ ઉપરાંત વિદેશી બ્રોકરેજ કંપનીના અંદાજ અનુસાર રૂપિયાના મૂલ્યમાં પ્રતિ વર્ષ બે ટકાનો વધારો થશે.
રિઝર્વ બેન્ક પણ રૂપિયાના મૂલ્યમાં સામાન્ય દ્રષ્ટિએ વધારો થવા દેશે, કેમ કે ભારતની ચુકવણીની તુલા મજબૂત છે. અમારું માનવું છે કે વિદેશી રોકાણકારો IGBsમાં મૂડીરોકાણ આકર્ષશે, કેમ કે વાસ્તવિક દરો અને રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હશે, એમ બ્રોકરેજ હાઉસે કહ્યું હતું.