મુંબઈઃ BSEની આંતરરાષ્ટ્રીય પાંખ ઈન્ડિયા INXએ સ્થાનિક બજારમાં ESG અને ગ્રીન ફાઈનાન્સ પ્રોજેક્ટ્સના વિકાસ અને ઉત્તેજન માટે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે સમજૂતી કરાર કર્યો છે.
વર્ષ 2019માં ઈન્ડિયા INXએ માત્ર ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબલ બોન્ડ્સના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે અલગ પ્લેટફોર્મ GSM ગ્રીનની સ્થાપના કરી હતી. આ પ્લેટફોર્મની રચના ICMAના ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ્સ અને ક્લાઈમેટ બોન્ડ્સ પહેલ આધારિત છે, જે વિશ્વના રોકાણકારો માટે આદર્શ પ્લેટફોર્મ છે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ ગ્રીન અને સસ્ટેઈનેબલ બોન્ડ્સના લિસ્ચિંગ માટેનું સૌથી લોકપ્રિય સ્થળ છે. આ સમજૂતી કરારને પગલે સ્થાનિક ગ્રીન બોન્ડ્સ ઈશ્યુઅરો ડ્યુઅલ લિસ્ટિંગ, પ્રભાવશાળી ઉપસ્થિતિ પ્રાપ્ત કરી શકશે અને ગ્રીન બોન્ડ્સની સેકંડરી બજારમાં પણ વધારો થશે.
આ પ્રસંગે ઈન્ડિયા INXના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયને કહ્યું કે આ સમજૂતી કરારથી માત્ર સ્થાનિક બોન્ડ્સ ઈશ્યુઅરોને લાભ થશે એટલું જ નહિ પણ બંને દેશો વચ્ચેના સંબધો પણ મજબૂત બનશે. લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જના સીઈઓ રોબર્ટ શાર્ફેએ કહ્યું કે એક અગ્રણી આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ તરીકે અમે ભારતીય બજારના સહયોગીઓ સાથે લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવીએ છીએ અને ઈન્ડિયા INX સાથેનો સમજૂતી કરાર આ દિશામાંનું મહત્ત્વનું કદમ છે.