ઝોમેટોની ટેકઅવે સર્વિસઃ રેસ્ટોરાં પાસેથી કમિશન નહીં લે

નવી દિલ્હીઃ વધુમાં વધુ લોકો રેસ્ટોરામાંથી ઓનલાઇન ખાવાના ઓર્ડર આપી શકે એ માટે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ કહ્યું છે કે તે એના રેસ્ટોરાં ભાગીદારોને ટેકઅવે સર્વિસ મફતમાં ઉપલબ્ધ કરાવશે. અમે કોઈ પણ કમિશન ચાર્જ નહીં કરીએ અને બધા ટેકઅવે ઓર્ડર પર પેમેન્ટ ગેટવે ચાર્જીસ જતા કરી દઈશું, એમ ઝોમેટોએ એના બ્લોગમાં કહ્યું છે.

કંપનીએ કહ્યું છે કે કોવિડ રોગચાળા પૂર્વે ફૂડ ડિલવરી બિઝનેસમાં એનો જીએમવી આંક (ગ્રોસ મર્કેન્ડાઈઝ વેલ્યૂ) 110 ટકા હતો. દેશભરમાં 55,000થી વધુ રેસ્ટોરાં અમારી ટેકઅવે સેવા મેળવી રહી છે અને સાપ્તાહિક ધોરણે આ પ્રકારે અમે આવા ઓર્ડર લઈને લાખો લોકો સુધી ખાવાનું પહોંચાડીએ છીએ, એમ કંપનીએ જણાવ્યું હતું. આ ટેકઅવે સર્વિસથી રેસ્ટોરાંને વધારાનો લાભ થશે. રેસ્ટોરાંઓને ડિલીવરી અને ટેકઅવે, એમ બે વિકલ્પ અપાશે. ગ્રાહકો દ્વારા ઝોમેટો એપ પરથી ફૂડ ઓર્ડર કરી શકશે, ટેકઅવે વિકલ્પમાં ઓર્ડર કરવામાં આવેલા ફૂડની ડિલિવરી ઝોમેટોનો ડિલિવરી બોય નહીં કરે. બલકે ગ્રાહક ખુદ રેસ્ટોરામાં જઈને પોતાનો ઓર્ડર પિકઅપ કરશે. આના માટે ઝોમેટો રેસ્ટોરાં પાસેથી કોઈ કમિશન નહીં લે અને પેમેન્ટ ગેટવે ચાર્જ પણ નહીં વસૂલે. આનાથી રેસ્ટોરાંનું વેચાણ વધશે અને એને નફો વધુ થશે.

કંપનીએ કહ્યું છે કે માર્ચમાં લોકડાઉન લાગુ થયા પછી એણે 13 કરોડથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી છે અને ફૂડ અને પેકેજિંગના માધ્યમથી કોવિડ-19નો એક પણ કેસ નોંધાયો નથી. ઓવરઓલ ફૂડ ડિલિવરી સર્વિસ ઇન્ડ઼સ્ટ્રી હજી સંપૂર્ણ રીતે રિકવર નથી થઈ. તે છતાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓર્ડર વોલ્યુમની સાથે 200 ટકાથી વધુ વૃદ્ધિની સાથે અમારી એપ પર ટેકઅવેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.