નવીદિલ્હીઃ ભારતના ઉદ્યોગજગતના મહારથીઓએ એવી ઈચ્છા દર્શાવી છે કે અમેરિકામાં વ્યાપાર કરવા અને મૂડીરોકાણ કરવા માટેની તકોની ખોજ કરવા માટે અમેરિકાની મુલાકાતે આવવા ઈચ્છતા ઉદ્યોગપતિઓ-વેપારીઓને વિઝા ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને અમેરિકાની સરકારે ઝડપી બનાવવાની જરૂર છે. આ વિનંતી ઈન્ડો-અમેરિકન ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ લલિત ભાસિને દિલ્હીમાં ભારત-અમેરિકા વ્યાપાર-ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉચ્ચારી હતી.
તે કાર્યક્રમમાં ભારત ખાતે અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી પણ ઉપસ્થિત હતા.
ભાસિને કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણના અવસર માટે અમેરિકાની મુલાકાત લેવા ઈચ્છે છે તે ભારતીય ઉદ્યોગપતિઓ વિઝા મંજૂરીમાં ઘણો બધો વિલંબ થવાની તકલીફથી પરેશાન રહે છે. તેથી વિઝા-મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થવાની અમે રાજદૂત ગાર્સેટીને વિનંતી કરીએ છીએ.
ગાર્સેટીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત અને અમેરિકાએ ઘર્ષણરહિત સંબંધ બનાવવા માટે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ, જેને કારણે માત્ર આપણા બંને દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સમૃદ્ધિ વધશે.