સરકારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રૂ. 55,000 કરોડની નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ સરકાર કેસિનો અને ઓનલાઇન ગેમિંગ કંપનીઓ વિરુદ્ધ સકંજો કસી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DCGI)એ આશરે 12 ઓનલાઇન રિયલ-મની ગેમિંગ કંપની વિરુદ્ધ રૂ. 55,000 કરોડનાં બાકી લેણાં માટે નોટિસ જારી કરી છે.

DCGI દ્વારા કુલ ગેમિંગ આવક પર GSTની ચુકવણી ના કરવા માટે નોટિસ જારી કરવામાં આવી રહી છે. જે કેસોની તપાસ થઈ ચૂકી છે, એમાં નોટિસને સ્પષ્ટ કરવાની જરૂર છે.

ગેમિંગ યુનિકોર્ન ડ્રીમ11 (Dream11)ને રૂ. 25,000 કરોડનાં GSTની બાકી ચુકવણી માટે નોટિસ મળી છે. આ દેશમાં સૌથી મોટી પરોક્ષ ટેક્સ નોટિસ છે. જે અન્ય કંપનીઓને નોટિસ મળી છે, એમાં હેડ ડિજિટલ વર્ક્સ અને પ્લે ગેમ્સ 24*7 સામેલ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોમાં ગેમિંગ કંપનીઓને રૂ. એક લાખ કરોડ સુધીની નોટિસો ફટકારવામાં આવવાની શક્યતા છે. આ નોટિસ સરકારે કેસિનો અને ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણય પછી ફટકારી છે.

જોકે Dream11એ નોટિસ મળ્યા પછી બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. બેન્ગલુરુની ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રા. લિ.ને સપ્ટેમ્બર 2022માં રૂ. 21,000 કરોડની ટેક્સ નોટિસ મળી હતી.

ગોવા, સિક્કિમ અને દિલ્હી સહિત કેટલાંક રાજ્યોની અસહમતી છતાં GST કાઉન્સિલે જુલાઈની બેઠકમાં સૌથી વધુ કર લગાવવાનો નિર્ણય લીધો હતો, કેમ કે મોટા ભાગનાં રાજ્યો એ માટે તરફેણમાં હતાં. સંસદે પણ શિયાળુ સત્રમાં નવી ટેક્સ પ્રણાલીને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્રીય GSTમાં પ્રસ્તાવિત સંશોધનને મંજૂરી આપી હતી.