નવી દિલ્હીઃ ધનતેરસે સોના-ચાંદી ખરીદવા શુભ માનવામાં આવે છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી માટે ધનતેરસની રાહ જુએ છે. વળી, આ કીમતી ધાતુઓના મૂલ્યમાં ક્યારેય ઘટાડો નથી થતો. છેલ્લા એક વર્ષમાં સોનાએ 21.84 ટકા વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ 21.05 ટકા વધી છે. સોના-ચાંદીએ છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી કરતાં વધુ વળતર આપ્યું છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સોના અને ચાંદીની કિંમતો બમણી થઈ ગઈ છે. વર્ષ 2016માં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 29,900 હતી, જે આજે આશરે રૂ. 60,579 છે. એક વર્ષ પહેલાં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 50,062 હતી. જ્યારે છેલ્લા એક વર્ષમાં NSE નિફ્ટીએ 7.09 ટકા અને સેન્સેક્સે 6.46 ટકા વળતર આપ્યું છે.
છેલ્લાં 30 વર્ષોમાં સોનાએ રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપ્યું છે. 1993માં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 4598 હતી. એ સમયથી માંડીને અત્યાર સુધી સોનાએ આશરે 1222 ટકા રિટર્ન રોકાણકારોને આપ્યું છે. વર્ષ 2003માં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 5830 હતી, જે 2013માં રૂ. 30,510 થઈ હતી. વર્ષ 2003 અને 2013થી માંડીને અત્યાર સુધી 24 કેરેટ સોનાની કિંમત 942 ટકા અને 99 ટકા વધી ચૂકી છે.
સોનાની કિંમતો વર્ષ 2018માં ધનતેરસે રૂ. 32,600 હતી, જે વર્ષ 2019માં વધીને રૂ. 38,200 થઈ હતી. ત્યાર બાદ કોરોના કાળમાં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામે ઊછળીને રૂ. 51,000એ પહોંચી હતી. જ્યારે વર્ષ 2022માં ધનતેરસે સોનાના ભાવ આશરે પ્રતિ 10 ગ્રામે રૂ. 50,000 હતા.