1-એપ્રિલથી ઈમ્પોર્ટેડ મોબાઈલ ફોન, એરકન્ડિશનર મોંઘા થશે

મુંબઈઃ નવું નાણાકીય વર્ષ આવતી કાલ, 1 એપ્રિલથી શરૂ થશે. એ સાથે જ દૈનિક વપરાશની અનેક ચીજવસ્તુઓ મોંઘી થશે, કારણ કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2021ના બજેટમાં અનેક ગેજેટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં ફેરફાર કર્યો છે, જેને કારણે એ ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફાર થશે.

આ ચીજવસ્તુઓ મોંઘી થશેઃ ઈમ્પોર્ટેડ મોબાઈલ ફોન અને તેના ચાર્જર. સિક્યુરિટી ગ્લાસીસ, ઈગ્નિશન વાયરિંગ યુનિટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી વધારી દેવાતાં વાહનો અને મોટરબાઈક મોંઘા થશે. કોમ્પ્રેસર પરની કસ્ટમ્સ જકાત 12.5 ટકાથી વધારીને 15 ટકા કરાતાં રેફ્રિજરેટર, એરકન્ડિશનર મોંઘા થશે. ઈમ્પોર્ટેડ લેધરવાળી ચીજવસ્તુઓ જેમ કે પગરખાં અને લગેજ મોંઘા થશે. કારણ કે આ ચીજોની આયાત પરની છૂટને સરકારે પાછી ખેંચી લીધી છે. LED લેમ્પ્સ મોંઘા થશે, કારણ કે એની પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 10 ટકા કરાઈ છે. વિમાન પ્રવાસ મોંઘો થશે, કારણ કે સિવિલ એવિએશન રેગ્યૂલેટર ડીજીસીએ એરપોર્ટ સેફ્ટી ફી વધારશે. રાષ્ટ્રીય સ્તરે વિમાનપ્રવાસીઓ પાસેથી એર સેફ્ટી ફી 40 રૂપિયા વધારે લેવાશે એટલે તે હવે રૂ.200 ચૂકવવાની રહેશે. એવી રીતે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પાસેથી લેવાતી ASF હવે 12 ડોલર થશે.

આ ચીજવસ્તુઓ સસ્તી થશેઃ ઈમ્પોર્ટેડ સોનું અને ચાંદી સસ્તા થશે, કારણ કે એની પરની કસ્ટમ્સ ડ્યૂટી સરકારે ઘટાડી છે. હવે તે 12.5 ટકાથી ઘટીને 7.5 ટકા કરી દેવાઈ છે. સોયાબીન તેલ, સનફ્લાવર તેલ પણ સસ્તા થશે.