આઇસી15 ઇન્ડેક્સ 745 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે દિવસના પ્રારંભે ઘટાડાનું વલણ હતું, પણ પછીથી ઓચિંતી વૃદ્ધિ થવા લાગી હતી. પરિણામે, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.24 ટકા (745 પોઇન્ટ) વધીને 33,947 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,202 ખૂલીને 34,105ની ઉપલી અને 32,290 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન વધ્યા હતા. સોલાના, યુનિસ્વોપ, અવાલાંશ અને કાર્ડાનોમાં 4થી 7 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન અનેક દિવસ બાદ 26,000 ડોલરની ઉપર ગયો હતો.

દરમિયાન, બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સે નાણાકીય ક્ષેત્રમાં સસ્ટેઇનેબિલિટી લાવવાની દૃષ્ટિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની મદદથી બ્લોકચેઇન આધારિત સસ્ટેઇનેબલ ફાઇનાન્સ સોલ્યુશન્સ વિકસાવવાની હાકલ કરી છે. બીજી બાજુ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની પેટા કંપની ઝોડિયા કસ્ટડીએ સિંગાપોરમાં ડિજિટલ એસેટ ઉદ્યોગની કસ્ટડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે એ દેશમાં પોતાની સેવાઓ આપવાની શરૂઆત કરી છે.