ડિઝલ વાહનોના વેચાણ પર અતિરિક્ત GST લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી

નવી દિલ્હીઃ ડિઝલથી ચાલતી મોટરકારો તથા વાહનોના વેચાણ પર અતિરિક્ત 10 ટકા જીએસટી લાદવો જોઈએ એવો પોતાનો અભિપ્રાય કર્યા બાદ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તરત જ સ્પષ્ટતા કરી કે આમ કરવા વિશે કેન્દ્ર સરકાર સમક્ષ હાલ કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.

ગડકરીએ કહ્યું કે, 2070ની સાલ સુધીમાં ભારતમાં કાર્બન ફેલાવાનું પ્રમાણ નેટ ઝીરો પર લાવી દેવા અને ડિઝલ જેવા જોખમી ઈંધણને કારણે હવામાં થતા પ્રદૂષણના સ્તરને ઘટાડવાના કરેલા દૃઢ નિશ્ચયને લક્ષમાં રાખીને વધારે સ્વચ્છ અને વધારે પર્યાવરણ અનુકૂળ વૈકલ્પિક ઈંધણોનો ઉપયોગ કરવાની જરૂર છે. આ ઈંધણ આયાતના વિકલ્પ, ખર્ચમાં સસ્તા, સ્વદેશી અને પ્રદૂષણ-મુક્ત હોવા જોઈએ. આજે સાંજે હું કેન્દ્રિય નાણાંપ્રધાન (નિર્મલા સીતારામન)ને મળવાનો છું. મેં એક પત્રનો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં મેં સૂચન કર્યું છે કે ડિઝલ કારની ખરીદી પર અતિરિક્ત 10 ટકા જીએસટી લાગુ કરવી જોઈએ.

ગડકરીએ કહ્યું છે કે ભારતમાં ડિઝલ વાહનોનું વેચાણ ઘણું ઘટી ગયું છે. 2014માં જે 52 ટકા હતું તે હાલ 18 ટકા સુધી ઘટી ગયું છે.