મુંબઈઃ બિટકોઇન માટે સાનુકૂળ વલણ ધરાવતા જેવિયર મિલેઈનો આર્જેન્ટિનાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજય થવાને પગલે સોમવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (1,045 પોઇન્ટ) વધીને 47,330 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,285 ખૂલ્યા બાદ 47,520ની ઉપલી અને 46,055ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઈન વધ્યા હતા, જેમાંથી ચેઇનલિંક, કાર્ડાનો, પોલકાડોટ અને યુનિસ્વોપ 4થી 8 ટકાની રેન્જમાં વધેલા મુખ્ય કોઇન હતા.
દરમિયાન, હોંગકોંગ મોનેટરી ઓથોરિટી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના પ્રથમ પ્રાયોગિક તબક્કા બાદ હવે આવતા વર્ષથી એનો વાસ્તવિક દુનિયામાં ઉપયોગ શરૂ કરવાની છે. જર્મની પણ ડિજિટલ યુરો નામે સીબીડીસી શરૂ કરવા માગે છે. બીજી બાજુ, એસેટ મેનેજમેન્ટ કંપની ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સે સ્પોટ ઈથેરિયમ ઈટીએફ માટે સત્તાવાર અરજી કરી છે.