મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે નીતિવિષયક વ્યાજદર યથાવત્ રાખ્યા અને સાવચેતીપૂર્ણ વલણ અપનાવ્યું એને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો આવ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાંથી પોલીગોન, પોલકાડોટ, કાર્ડાનો અને ઈથેરિયમ 6થી 8 ટકાની રેન્જના ઘટાડા સાથે મુખ્ય હતા.
દરમિયાન, બ્રાઝિલના રાષ્ટ્રપતિએ દેશની કેન્દ્રીય બેન્ક અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને ડિજિટલ એસેટ્સ માર્કેટનું નિયમન કરવાનો અધિકાર આપ્યો છે. બીજી બાજુ, ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ હોંગકોંગ મોનેટરી ઓથોરિટી ત્રણ મોટી બેન્કો પર દબાણ કરી રહી છે કે તેઓ ક્રીપ્ટો એક્સચેન્જોનો પોતાના ક્લાયન્ટ તરીકે સ્વીકાર કરે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.33 ટકા (850 પોઇન્ટ) ઘટીને 35,674 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,524 ખૂલીને 36,627ની ઉપલી અને 35,551 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.