મુંબઈઃ શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી કાર્ડાનો, ટ્રોન, યુનિસ્વોપ અને ચેઇનલિંકમાં ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા કોઇન પોલીગોન, બિટકોઇન, લાઇટકોઇન અને સોલાના હતા, જેમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.
દરમિયાન, જાપાને પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ યેનની વ્યવહાર્યતા ચકાસવા માટે નિષ્ણાત સમિતિની ચર્ચા શરૂ કરાવી છે. આ પેનલ બેન્ક ઓફ જાપાને કરેલા અભ્યાસના આધારે ડિજિટલ કરન્સીનું માળખું રચવા વિશે ચર્ચા કરશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમ સરકાર આર્થિક ગુનાખોરી અને વર્ચ્યુઅલ એસેટ્સના ગેરકાનૂની ઉપયોગને નાથવા માટે ધારાધોરણો ઘડવાની દિશામાં કામ કરી રહી છે.
જર્મનીની બૂર્સ સ્ટટગાર્ડ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની બૂર્સ સ્ટટગાર્ડ ડિજિટલને ક્રીપ્ટોકરન્સી ટ્રેડિંગ, બ્રોકરેજ અને ડિજિટલ એસેટ્સ કસ્ટડી સર્વિસીસ ઓફર કરવા માટે આખરી લાઇસન્સ મળી ગયું છે. બાયબિટ નામના ક્રીપ્ટો એક્સચેન્જે આફ્રિકન યુવાનોને બ્લોકચેઇનની તાલીમ આપવા માટે ઇનોવેશન ગ્રોથ હબ સાથે સહકાર સાધ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.30 ટકા (501 પોઇન્ટ) ઘટીને 37,896 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,397 ખૂલીને 38,609ની ઉપલી અને 37,405 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.