મુંબઈઃ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રેન્ડે નાદારી નોંધાવી અને સ્પેસએક્સે બિટકોઇનના અનામત જથ્થાની વેચવાલી કરી એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (233 પોઇન્ટ) ઘટીને 34,222 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,455 ખૂલીને 34,732ની ઉપલી અને 34,096 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સમાં લાઇટકોઇન અને ટ્રોનને બાદ કરતાં બધા જ કોઈન ઘટ્યા હતા. એક્સઆરપી, સોલાના, શિબા ઇનુ અને ડોઝકોઇનમાં 2થી 4 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો તથા બિટકોઇન 26,000 ડોલરની સપાટીની નીચે ઊતરી ગયો હતો.
દરમિયાન, ઓમાને સલાલાહ ફ્રી ઝોનમાં 350 મિલ્યન ડોલરથી વધુ મૂલ્યના નવા ક્રીપ્ટો માઇનિંગ અને ડેટા હોસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. બીજી બાજુ, ન્યૂ ઝીલેન્ડ સંસદે તૈયાર કરાવેલા એક અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે સરકારે ડિજિટલ એસેટ ઉદ્યોગનું નિયમન કરવું જોઈએ.
ભારતની મહત્ત્વપૂર્ણ ઘટનામાં મહારાષ્ટ્ર સરકારે પ્રાદેશિક પરિવહન કાર્યાલયના ઇન્સ્પેક્ટરોની બદલી માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. ભ્રષ્ટાચારને ડામવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.