મુંબઈઃ અમેરિકામાં કોમોડિટીઝ ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશને અમેરિકામાં રજિસ્ટ્રેશન વગરનાં ક્રીપ્ટોકરન્સીનાં ડેરિવેટિવ્ઝ ઓફર કર્યા હોવાનો બિનાન્સ અને એના સ્થાપક ચાંગપેંગ ઝાઓ પર આરોપ મૂક્યો છે. આ ઘટનાને પગલે માર્કેટમાં નરમાશ આવી હતી. આઇસી15 ઇન્ડેક્સ 1,240 પોઇન્ટ ઘટી ગયો હતો. એના ઘટકોમાંથી એક્સઆરપીને બાદ કરતાં તમામ કોઇન ઘટ્યા હતા. એક્સઆરપીમાં 3.26 ટકા વૃદ્ધિ થઈ હતી. લાઇટકોઇન, બિનાન્સ, ચેઇનલિંક અને બિટકોઇનમાં 3થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બિનાન્સે ક્રીપ્ટો ઉદ્યોગ માટે સાનુકૂળ વલણ ધરાવતા જ્યોર્જિયામાં નવું પ્રાદેશિક બ્લોકચેઇન કેન્દ્ર શરૂ કર્યું છે. જ્યોર્જિયામાં બ્લોકચેઇન તથા વેબ3નો પ્રસાર કરવાનો એની પાછળનો ઉદ્દેશ્ય છે. બીજી બાજુ, લક્ઝરી ફેશન બ્રાન્ડ – ગુચ્ચીએ એનએફટી પ્લેટફોર્મ યુગા લેબ્સ સાથે સહયોગ સાધ્યો છે. ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગે બિટકોઇન તથા અન્ય ક્રીપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની પહેલ કરી છે. કંપનીની પેરિસસ્થિત એક શાખામાં આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.30 ટકા (1,240 પોઇન્ટ) ઘટીને 36,253 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,493 ખૂલીને 37,643ની ઉપલી અને 35,791 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.