નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નવા ટેક્સ ફાઈલિંગ પોર્ટલમાં ટેકનિકલ ખામી હજી પણ ચાલુ રહી હોવાને કારણે અમુક ફોર્મ્સનું હસ્તલિખિત (મેન્યુઅલ) ફાઈલિંગ કરવાની પરવાનગી આપી છે. આવકવેરા વિભાગે નવું પોર્ટલ (www.incometax.gov.in) શરૂ કર્યાને એક અઠવાડિયું થઈ ગયું છે તે છતાં પણ એમાંની ખામી હજી દૂર થઈ શકી નથી.
આવકવેરા વિભાગે એક સર્ક્યૂલર બહાર પાડીને 15CA/15CB ફોર્મનું મેન્યુઅલ ફાઈલિંગ કરવાની પરવાનગી આપી છે. આ ફોર્મ વિદેશમાં નાણાં મોકલવા માટે ભરવું જરૂરી હોય છે. લોકો આ ફોર્મ 30 જૂન સુધી બેન્કોમાં જઈને આપી શકશે, જેથી એમના ધંધાકીય સોદાઓ ચાલુ રહી શકે. આ ફોર્મ્સ બાદમાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરી શકાશે. સરકારે દાવો કર્યો છે કે નવું પોર્ટલ કરદાતાઓ માટે સુવિધાજનક છે, પરંતુ ઘણા યૂઝર્સે પહેલા જ દિવસથી ફરિયાદ કરી હતી કે ઘણી ટેકનિકલ ખામીઓ છે. કરદાતાઓને જૂના ઈ-ફાઈલ્ડ રિટર્ન્સ જોવા મળતાં નથી અને ઘણા ફીચર્સ/સુવિધાઓ પર ક્લિક કરીએ તો ‘કમિંગ સૂન’ લખેલું જોવા મળે છે.
