સરકારે એર ઈન્ડિયાને વેચવાની કરી જાહેરાતઃ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે ઓપન ટેન્ડરની જાહેરાત કર છે. સરકાર એર ઈન્ડિયામાં 100 ટકા શેર્સ વેચશે. સરકારી ટેન્ડર મુજબ ખરીદનારાઓએ 17 માર્ચ સુધી આવેદન કરવાનું રહેશે. ખરીદનારને મુંબઈની એર ઈન્ડિયાની બિલ્ડિંગ નહીં મળે. બોલી લગાવવાની પ્રક્રિયા પછી 31 માર્ચ સુધી શોર્ટ લિસ્ટ ખરીદનારાઓને સુચના આપવામાં આવશે.

એર ઈન્ડિયાની સાથે સરકાર એર ઈન્ડિયા એક્સપ્રેસના 100 ટકા અને એઆઈએસએટીએસના 50 ટકા શેર વેચશે. વર્ષ 2018માં પણ સરકારે એર ઈન્ડિયાને વેચવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે સમયે કોઈએ રસ દાખવ્યો ન હતો. ગત પ્રયાસમાં સરકારે 76 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવે છે કે તે સમયે એક પણ ખરીદનાર ન મળવાથી સરકારે આ વખતે 100 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક મંત્રીના સમૂહે સાત જાન્યુઆરીએ એર ઈન્ડિયાના ખાનગીકરણ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એર ઈન્ડિયા પર 80 હજાર કરોડ રૂપિયાનું બાકી દેવું છે. સરકારના આ નિર્ણય અંગે કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.

એર ઈન્ડિયાને વેચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોદી સરકારે સોમવારે પ્રારંભિક માહિતી આપતું મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ પ્રસ્તાવ વિરૂદ્ધ ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ વિરોધ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ ટ્વીટ કરી નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે ડીલ સંપૂર્ણ રીતે દેશ વિરોધી છે અને આ માટે કોર્ટમાં જવું મજબૂર થવું પડશે. પરિવારની કિંમતી વસ્તુને વેંચી ન શકાય. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામી પહેલાં પણ એર ઈન્ડિયાને વેચવાની સરકારની યોજના અંગે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. માનવામાં આવે છે કે કેન્દ્રના આ નિર્ણયને લઈને રાજકીય અને કાયદાકીય અડચણ ઊભી થઈ શકે છે.