‘જાણ કરવામાં મોડું થાય એમાં વીમો આપવાની ના પાડી ન શકાય’

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે વાહન ચોરી થયાના કેસમાં એ વિશેની સૂચના વીમા કંપનીને આપવામાં મોડું થાય તો એને દાવો નકારી કાઢવાનો આધાર ગણી ન શકાય.

ન્યાયમૂર્તિઓ એન.વી. રામના, બી.આર. ગવઈ અને આર.એસ. રેડ્ડીની બનેલી બેન્ચે આ ચુકાદો બે-સભ્યોની બેન્ચે આ કેસ તેને સુપરત કર્યા બાદ આપ્યો છે.

મોટી બેન્ચને પૂછવામાં આવ્યું હતું કે વાહન ચોરીના કેસમાં વીમા કંપનીને જાણ કરવામાં મોડું થાય તો શું વીમાનો દાવો નકારી શકાય ખરો? અને એ પણ ત્યારે કે જ્યારે પોલીસ એફઆઈઆર તુરંત નોંધવામાં આવી ચૂકી હોય.

વીમા કંપનીએ એવો દાવો કર્યો હતો કે કમર્શિયલ વેહિકલ્સ પેકેજ પોલિસી માટેના સ્ટાન્ડર્ડ ફોર્મમાં સ્પષ્ટ જણાવેલું છે કે જો દાવોકર્તા ચોરીના કેસમાં વીમા કંપનીને તાત્કાલિક જાણ નહીં કરે તો પોલિસીની શરતનું પાલન ન કરવા બદલ એને ક્લેમ આપવાનો ઈનકાર શકી શકાશે.

પરંતુ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચે વીમા કંપનીની દલીલને નકારી કાઢતાં કહ્યું કે, જ્યારે વાહનની ચોરી થાય ત્યારે વ્યક્તિની પ્રથમ પ્રાથમિકતા ચોરી વિશે પોલીસમાં જઈને એફઆઈઆર નોંધાવવાની હોય છે. આવા કેસમાં વાહનમાલિક તેના વાહનને શોધવામાં પોલીસને મદદ કરવા માગતો હોય છે. ચોરીના સંબંધમાં એફઆઈઆરની નોંધણી અને એની તપાસ બાદ વાહન ન મળે તો પોલીસનો અંતિમ રિપોર્ટ એ વાતનો પાકો પુરાવો છે કે વાહનની ચોરી થઈ છે. એટલું જ નહીં, વીમા કંપની તરફથી સર્વેયર પાસેથી પણ એવી અપેક્ષા રાખી શકાય કે તે એ તપાસ કરે કે વીમા ક્લેમ કરનારનો ચોરી સંબંધિત દાવો વાસ્તવિક છે કે નહીં. જો સર્વેમાં એ માલૂમ પડે્ કે ચોરીનો દાવો વાસ્તવિક છે અને એ વિશે તુરંત એફઆઈર પણ કરવામાં આવી હતી તો અમારા મતે વાહન ચોરીનો એ અંતિમ પુરાવો છે. એ પછી કંઈ ન જોઈએ. એવા કેસમાં વીમા ક્લેમનો ઈનકાર કરી શકાય નહીં.