હવે આ જાણકારી નહીં આપો તો પગારમાંથી કપાશે 20 ટકા TDS

નવી દિલ્હી:  ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) અંગે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર ટીડીએસ કાપવા લાયક છે અને તે પેન કે આધારની જાણકારી નહીં આપે તો પગારમાંથી 20 ટકા ટીડીએસ કાપવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના સર્કૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવા નિયમમાં આધાર નંબરને પણ સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ ટેક્સ સંબંધિત કામમાં ફક્ત પેન કાર્ડને જ સ્વીકારવામાં આવતું હતું, પણ ગયા વર્ષે સરકારે કહ્યું કે જો કોઈ પાસે પેન કાર્ડ ન હોય તો ટેક્સ સંબંધીત કામમાં આધારનો પણ ઉપયોગ કરી શકાય છે.

નવા નિયમ હેઠળ જો કોઈ કર્મચારીનો પગાર 2.5 લાખ રૂપિયા સુધી હોય તો કોઈ ટેક્સ નહિં કપાય. વર્તમાનમાં 2.5 લાખ સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે અને 2.5-5 લાખ સુધી ઈન્કમ પર 5 ટકા ટેક્સ લાગે છે. તમામ પ્રકારની છૂટનો લાભ ઉઠાવ્યા બાદ જો પગાર 20 ટકા ટેક્સેબલ સ્લેબમાં આવે છે તો ટીડીએસ 20 ટકા જ રહેશે. 5 થી 10 લાખ સુધી ઈન્કમ પર 20 ટકા ટેક્સના દર છે.

જો કોઈનો પગાર 30 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે અને તેણે પાન-આધાર જમા નથી કરાવ્યું તો ટીડીએસ કપાતા પહેલા એવરેજ ટેક્સના દર કાઢવા પડશે. જો એવરેજ ટેક્સ રેટ 20 ટકાથી વધુ આવે તો ટીડીએસ તે દરે કાપવામાં આવશે.

પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે. પેન-આધાર લિંક નહિ કરવા પર પેનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે? આ મામલે ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા નિર્ણય સંભળાવ્યો હતો કે, પેનને આધાર સાથે લિંક નહિ કરવા પર કોઈ પણ વ્યક્તિનો પેનકાર્ડ નંબર નિષ્ક્રિય નહિ થાય. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાના પેનને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતું તો તેને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા કે ટ્રાન્ઝેક્શન કરવામાં પેનનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવી શકે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]