નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન્સ એર ઈન્ડિયાને ખરીદવા માટે બિડ મોકલવા માટેની ડેડલાઈનને બે મહિના વધારે લંબાવી છે એટલે કે હવે 31 ઓગસ્ટ સુધીમાં બિડ મોકલી શકાશે.
કોરોના વાઈરસ મહાબીમારી ફેલાવાથી દુનિયાભરમાં આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હોવાને કારણે સરકારને આ મહેતલને લંબાવવાની ફરજ પડી છે.
સરકારે આ ત્રીજી વખત ડેડલાઈનને લંબાવી છે.
એર ઈન્ડિયામાં સરકારનો હિસ્સો વેચવાની પ્રક્રિયા સરકારે ગઈ 27 જાન્યુઆરીએ રૂ કરી હતી. એ વખતે એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. એ વખતે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) ઈસ્યૂ કરતી વખતે સરકારે જાહેરાત કરી હતી કે બિડ મોકલવાની અંતિમ તારીખ 17 માર્ચ રહેશે. એ તારીખ જોકે સરકારે બાદમાં એપ્રિલ 30 સુધી લંબાવી હતી. બાદમાં એને 30 જૂન સુધી લંબાવી હતી અને કોરોનાનો પ્રકોપ હજી પણ ચાલુ રહેતાં ડેડલાઈનને 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે.
ક્વોલિફાઈડ ઈન્ટરેસ્ટેડ બિડર્સ (QIBs) માટેનો પત્ર રજૂ કરવા માટેની તારીખને પણ 14 સપ્ટેંબર સુધી લંબાવવામાં આવી છે.
કોરોના વાઈરસ ફેલાયો હોવાને કારણે અનેક દેશોમાં લોકડાઉન લાગુ કરાતાં આર્થિક પ્રવૃત્તિઓ જાગતિક રીતે ઠપ થઈ ગઈ છે. કોરોનાને કારણે એવિએશન ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. એરલાઈન કંપનીઓને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને કર્મચારીઓની સંખ્યામાં પણ કાપ મૂકવો પડ્યો છે.
કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)માં પોતાનો 52.98 ટકાનો પૂરેપૂરો હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી છે. એ ખરીદવા માટે બિડ મોકલવા ઈન્વેસ્ટરો માટેની ડેડલાઈનને 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.