15 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ નહીં કરાય

નવી દિલ્હીઃ ભારત સરકાર આવતા મહિને અમુક રૂટ્સ પર નિર્ધારિત ઔદ્યોગિક ફ્લાઈટ્સ કદાચ શરૂ કરશે, પરંતુ સામાન્ય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકાયેલો સંપૂર્ણ પ્રતિબંધ એણે 15 જુલાઈની મધરાત સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન અંતર્ગતનો છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા આજે એક ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે.

ઓર્ડરમાં જણાવાયું છે કે ઈન્ટરનેશનલ શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સ કદાચ પસંદગીકૃત રૂટ્સ પર શરૂ કરવા દેવામાં આવશે, પરંતુ એ પ્રત્યેક કેસના મહત્ત્વ પર આધારિત હશે.

ભારતમાંથી અને ભારત આવનારી શેડ્યૂલ્ડ ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સને 15 જુલાઈની મધરાત સુધી સસ્પેન્ડ જ રાખવામાં આવી છે. આ નિયંત્રણ ઈન્ટરનેશનલ ઓલ-કાર્ગો ઓપરેશન્સ તેમજ ડીજીસીએ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવેલી ફ્લાઈટ્સને લાગુ નહીં પડે. તે છતાં ઈન્ટરનેશનલ શેડ્યૂલ ફ્લાઈટ્સને પ્રત્યેક કેસના મહત્ત્વના આધારે પસંદગીના રૂટ્સ પર કદાચ શરૂ કરવા દેવામાં આવે.

અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને યુએઈ જેવા દેશોએ ભારતને વિનંતી કરી છે કે તે એની એરલાઈન્સને એમની વિમાન સેવા ફરી શરૂ કરવા દે. ભારત હાલ માત્ર એર ઈન્ડિયા મારફત વંદે ભારત મિશન હેઠળ માત્ર વિદેશોમાં અટવાયેલા ભારતીયો તથા ભારતમાં અટવાયેલા વિદેશીઓને ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઓપરેટ કરવા દે છે.

સ્થાનિક સ્તરે એક મહિનામાં 19 લાખ લોકોએ વિમાન પ્રવાસ કર્યો

દરમિયાન, ભારતની અંદર વિમાન સેવા ફરી શરૂ કરવા દેવામાં આવી એના પહેલા મહિનાની અંદર 19 લાખ જેટલા લોકોએ પ્રવાસ કર્યો છે. સ્થાનિક વિમાન સેવાને 25 માર્ચથી સસ્પેન્ડ કરવામાં આવી હતી, પણ 25 મેથી એને ફરી શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન એચ.એસ. પુરીએ ટ્વીટમાં જણાવ્યું છે કે એક મહિનામાં ભારતમાં 21,300 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી છે જે દ્વારા 18 લાખ 90 હજાર લોકોએ પ્રવાસ કર્યો હતો. આનો મતલબ એ થાય કે પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ 90 જણે પ્રવાસ કર્યો.