’93ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકાના અપરાધી યુસુફ મેમણનું જેલમાં મરણ

મુંબઈઃ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના અપરાધી અને અંડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણના ભાઈ યુસુફ મેમણનું આજે સવારે મહારાષ્ટ્રના નાશિકની જેલમાં મૃત્યુ થયું છે. એ નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં 1993ના બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં સંડોવણી બદલ આજીવન સજા ભોગવી રહ્યો હતો. જેલમાં તેના મોતથી ભારે ઊહાપોહ મચી ગયો હતો. જોકે તેના મોતનું કારણ હજી સ્પષ્ટ નથી થયું. સવારે તે જ્યારે બ્રશ કરી રહ્યો હતો, ત્યારે અચાનક પડી ગયો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.નાશિક જેલના સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું કે યુસુફ મેમણને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેને તત્કાળ નાસિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ 11 વાગ્યે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

મેમણ પરિવાર બોમ્બધડાકા કેસમાં સામેલ

1993ની 12 માર્ચે મુંબઈમાં કરવામાં આવેલા ભયાનક સિરિયલ બોમ્બ ધડાકાઓના કેસમાં દોષી જાહેર કરવામાં આવેલા લોકોમાં ચાર સભ્યો મેમણ પરિવારના હતા. એમાંના યાકુબ મેમણને નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તે પરિવારમાં સૌથી વધુ શિક્ષિત હતો. કેટલાંક વર્ષો પહેલાં યાકુબના ભાઈ સુલેમાન મેમણને પુરાવાના અભાવે જામીન મંજૂર કરાયા હતા.

ટાઇગર અને અયુબ મેમણ હજી પણ ફરાર

યાકુબનો સગો ભાઈ યુસુફ નાશિક જેલમાં આજીવન જેલની સજા કાપી રહ્યો હતો. ટાઇગર અને અયુબ મેમણ હજી પણ ફરાર છે. યાકુબની ભાભી રુબિના (સુલેમાનની પત્ની) પુણે જેલમાં બંધ છે. ત્યાં જ યાકુબની પત્ની પુરાવાના અભાવે જામીન મેળવી ચૂકી છે.

યાકુબની ફાંસી પર વિવાદ

યાકુબની ફાંસીને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસ પાર્ટીએ યાકુબને ફાંસી આપવાનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિથી દયા અરજી ફગાવ્યા પછી યાકુબના વકીલે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં તેણે યાકુબની માનસિક હાલત યોગ્ય નહીં હોવાની વાત કરી હતી.

મુંબઈમાં 1993ની 12 માર્ચે શ્રેણીબદ્ધ બોમ્બધડાકાઓમાં 317 જણ માર્યા ગયા હતા અને 1,400થી વધારે લોકો ઘાયલ થયા હતા. વિશેષ કોર્ટે યુસુફ મેમણને આજીવન કેદની સજા ફટકારી હતી. એ બોમ્બ વિસ્ફોટોના કેસનો ભાગેડુ આરોપી ઇકબાલ મેમણનો ભાઈ હતો. આ મામલે મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમ, ઇકબાલ મેમણ, છોટા શકીલ સહિત અનેક આરોપીઓ હજી પણ ફરાર છે. આ બધા પાકિસ્તાનમાં છુપાયા છે.