મુંબઈઃ કેન્દ્રિય કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે નામાંકિત એડટેક કંપની બાઈજૂઝની એકાઉન્ટ બૂક્સની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હોવાનો બ્લૂમબર્ગ ન્યૂઝનો અહેવાલ છે. કંપની પર આરોપ છે કે તેણે કોર્પોરેટ ગવર્નન્સ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. મંત્રાલયે ચકાસણીનો અહેવાલ છ અઠવાડિયામાં સુપરત કરવાનો આદેશ આપ્યો છે.
તે ચકાસણીના અહેવાલના આધારે મંત્રાલય નક્કી કરશે કે આ કેસ પોતાને જ અંતર્ગત વિભાગ – ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલયને સુપરત કરવાની જરૂર છે કે નહીં.
જોકે બાઈજૂઝને કાનૂની મામલોમાં સલાહ આપતી લૉ કંપની MZM લીગલનું કહેવું છે કે એની અસીલ કંપનીને મંત્રાલય તરફથી એકાઉન્ટ્સ તપાસ મામલે હજી સુધી કોઈ સંદેશ મળ્યો નથી. જો રાબેતા મુજબની ચકાસણી કરવાની રહેશે તો બાઈજૂઝ સંપૂર્ણપણે સહકાર આપશે.
બાઈજૂઝ એક સમયે ભારતની સૌથી વધુ – 22 અબજ ડોલરનું મૂલ્ય ધરાવનાર સ્ટાર્ટઅપ કંપની હતી. એને કારણે કોવિડ-19 મહામારી દરમિયાન દુનિયાભરનાં ઈન્વેસ્ટરો તેની તરફ આકર્ષિત થયા હતા. એને પગલે કંપનીની ઓનલાઈન શિક્ષણ સેવાઓની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો હતો.