ભારતના યૂઝર્સને મની-ટ્રાન્સફર ફી ચાર્જ નહીંઃ ‘ગૂગલ પે’

મુંબઈઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ગૂગલ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે એની ગૂગલ પે સર્વિસ આવતા વર્ષના જાન્યુઆરીથી તેની વેબ એપ ઉપર મની ટ્રાન્સફર સેવા બંધ કરશે. તે માત્ર અમેરિકામાં જ ઈન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર સેવા માટે ચોક્કસ રકમની ફી લેશે, આ ચાર્જ ભારતના લોકોને લાગુ કરવામાં નહીં આવે. ભારતમાં ગૂગલ પે અને ગૂગલ પે ફોર બિઝનેસના ઉપયોગ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ગૂગલે તેની વેબ એપ ઉપર એક નોટિસ મૂકી છે જેમાં યૂઝર્સને જાણકારી આપવામાં આવી છે કે ગૂગલ પેની વેબસર્વિસ જાન્યુઆરી, 2021થી બંધ થશે.

ગૂગલે અમેરિકામાં વસતા તેના યૂઝર્સને જાણ કરી છે કે 2021ના જાન્યુઆરીથી તમે pay.google.com મારફત બીજા લોકોને પૈસા મોકલી નહીં શકો, કારણ કે આ સેવા બંધ કરાશે. તમે હવે પૈસા મોકલવા અને સ્વીકારવા માટે નવી ગૂગલ પે એપનો જ ઉપયોગ કરજો.