ગૂગલ સાથે મળી જિયોએ બનાવ્યો સસ્તો-સ્માર્ટફોન ‘જિયોફોન-નેક્સ્ટ’

મુંબઈઃ દેશમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રની અગ્રગણ્ય કંપની જિયો અને અમેરિકાની ગૂગલ કંપનીએ ‘જિયોફોન નેક્સ્ટ’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં આની જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોન રિલાયન્સના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ આદરેલા ‘2G-મુક્ત ભારત’ મિશનના ભાગરૂપે બનાવવામાં આવ્યો છે.

આ ફોન સસ્તી કિંમતનો છે અને તે આ વર્ષની 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તહેવારમાં ભારતમાં ઉપલબ્ધ થશે. આ ફોન દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હોવાનો દાવો કરાયો છે. આ ફોન એન્ડ્રોઈડ OS સંચાલિત હશે. તે ઉપરાંત વોઈસ આસિસ્ટન્ટ હશે, રીડ-લાઉડ સ્ક્રીન ટેસ્ટ, ભાષાઓના અનુવાદના ફીચર હશે, AR ફિલ્ટર સાથે સ્માર્ટ કેમેરા હશે.