મુંબઈઃ વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટએ નાદારીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોતે એની નાણાકીય જવાબદારીઓ પરિપૂર્ણ કરવા અસમર્થ હોવાને કારણે તેણે નાદારી માટેની પીટિશન નોંધાવી દીધી છે. એરલાઈને તેના કાફલાના 50 વિમાનોને વિમાનસેવામાંથી હટાવી લીધા છે. આ માટે તેણે પ્રેટ એન્ડ વ્હિટની કંપનીના એન્જિન્સને જવાબદાર ગણાવ્યા છે, જે ખરાબ છે. એરલાઈને ગઈ 1 મેથી 25 વિમાનને ગ્રાઉન્ડેડ કરી દીધા છે, જે તેના એરબસ વિમાનોના કાફલાનો 50 ટકા હિસ્સો થાય છે. ગો ફર્સ્ટે 3-5 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કર્યાની જાહેરાત કર્યા બાદ દેશના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ તરફથી એને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
નાદારી પ્રક્રિયા શું છે?
નાદારી એક એવી કાનૂની પ્રક્રિયા છે જે દ્વારા કોઈ કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ થઈ જાય ત્યારે લેણદારો તરફથી રક્ષણની વિનંતી કરે છે. ગો ફર્સ્ટે તેના 50 ટકા વિમાનો ગ્રાઉન્ડેડ કરાવાથી એની પર આવી પડેલી નાણાકીય ભીંસને લીધે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં નાદારી નોંધાવી છે. આ સાથે એરલાઈન તેના લેણદારો પાસેથી રક્ષણ મેળવી શકશે અને પોતાને માથે ચડી ગયેલું દેવું ચૂકવવા માટે નવું માળખું તૈયાર કરી શકશે. એનસીએલટી હવે શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું.
ટિકિટ ખરીદનારાઓ શું પગલું ભરી શકે?
વિમાનસેવા રોકી દેવાની ગો ફર્સ્ટે ઓચિંતી જાહેરાત કરી દીધી છે. એને કારણે એડવાન્સમાં ટિકિટો બુક કરાવનાર ગ્રાહકો કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ગો ફર્સ્ટને ફ્લાઈટ્સ રદ કરતાં 55,000થી 60,000 જેટલા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડશે. નિયામક ડીજીસીએના નિયમો અનુસાર, જો કોઈ એરલાઈન કોઈ પણ ફ્લાઈટ રદ કરે તો એના પેસેન્જરો રીફંડ માગવાને હકદાર બને છે. આમાં પેસેન્જરો પાસે બે વિકલ્પ હોય છે. એક તો જેમણે એરલાઈનની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવી હોય તેઓ વેબસાઈટ પરથી એરલાઈન પાસે સીધું જ રીફંડ માગી શકે છે. અથવા જેમણે ટ્રાવેલ એગ્રીગેટર્સ મારફત ટિકિટ ખરીદી હોય તેમને રીફંડની રકમ ત્યારે મળશે જ્યારે પહેલાં એ રકમ એગ્રીગેટરના એકાઉન્ટમાં જમા થાય. ગ્રાહકો એમના રીફંડ માટે ટ્રાવેલ એગ્રીગેટરનો ઓનલાઈન સંપર્ક કરી શકે છે.