આઇસી15 ઇન્ડેક્સ 510 પોઇન્ટ વધ્યોઃ અમેરિકામાં ક્રીપ્ટો માઇનિંગ પર ટેક્સ નખાશે

મુંબઈઃ બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના મુખ્ય વધેલા કોઇન પોલીગોન, બિટકોઇન, ઈથેરિયમ અને ચેઇનલિંક હતા. એમાં 1થી 4 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. મુખ્ય ઘટેલા કોઇન એક્સઆરપી, સોલાના, યુનિસ્વોપ અને બીએનબી હતા.

પ્રાપ્ત અહેવાલ મુજબ અમેરિકાના પ્રમુખ જો બાઇડન ક્રીપ્ટોકરન્સીના માઇનિંગ પર 30 ટકાના દરે કરવેરો નાખવાનો પ્રસ્તાવ આગામી કેન્દ્રીય બજેટમાં રજૂ કરવાના છે. માઇનિંગની પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાના આશય સાથે આ પગલું ભરાવાનું છે. દરમિયાન, ભુતાનમાં બિટડીર ટેક્નોલોજીસ ગ્રુપ અને ડ્રક હોલ્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સે દેશમાં પર્યાવરણને અનુકૂળ અને કાર્બનમુક્ત ડિજિટલ એસેટ માઇનિંગ માટે સહકાર સાધ્યો છે. બીજી બાજુ, કોઇનબેઝે કોઇનબેઝ ઇન્ટરનેશનલ એક્સચેન્જ નામે ક્રીપ્ટો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.33 ટકા (510 પોઇન્ટ) વધીને 38,906 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,396 ખૂલીને 39,134ની ઉપલી અને 38,335 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.