એનએસઈએલ કેસમાં એફએમસીના રમેશ અભિષેક સામે તપાસનો આદેશ

મુંબઈ, તા. 30 મે, 2023: એનએસઈએલની પેમેન્ટ કટોકટીના કેસમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેકની સંડોવણી વિશે તપાસ કરવાનો એમપીઆઇડી કોર્ટે મુંબઈ પોલીસની ઈઓડબ્લ્યુને આદેશ આપ્યો છે. એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની અરજીને પગલે મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કોર્ટે હાલમાં ઈઓડબ્લ્યુ (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ)ને ઉક્ત હુકમ કરીને ચાળીસ દિવસની અંદર અહેવાલ સુપરત કરવાનું પણ કહ્યું છે.

એનએસઈએલની અખબારી યાદીમાં જણાવાયા મુજબ ઈઓડબ્લ્યુએ ડિસેમ્બર 2022માં આખરી ચાર્જશીટ ફાઇલ કરી હતી, પરંતુ એફએમસી, ખાસ કરીને રમેશ અભિષેકની ભૂમિકા વિશે કોઈ તપાસ કરી નહીં હોવાથી એક્સચેન્જે પોતે ઉક્ત અરજી કરી હતી.

એનએસઈએલે ઈઓડબ્લ્યુને 2020માં વિગતવાર રજૂઆત કરી હતી અને એમાં કહ્યું હતું કે રમેશ અભિષેકે આ કટોકટી સંબંધે અનેક બાબતોમાં બેદરકારી રાખી હતી તથા તેઓ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ છતાં ઈઓડબ્લ્યુએ એ વિશે તપાસ કરી ન હતી. એનએસઈએલના એમડી-સીઈઓ નીરજ શર્માએ કહ્યું છે કે અભિષેકની ભૂમિકા વિશે હવે ન્યાયીપણે તપાસ થશે અને એમણે કટોકટીના કેસમાં પગલાં ભર્યાં નહીં એની પાછળના છુપા ઈરાદાઓ બહાર આવશે એવી આશા છે.

એનએસઈએલની યાદીમાં જણાવાયું છે કે એફએમસી ચેરમેન તરીકે રમેશ અભિષેકે ગ્રાહકસંબંધી બાબતોના ખાતાને ખોટી સલાહ આપી હતી અને કહ્યું હતું કે એનએસઈએલે એફસીઆરએ હેઠળ અપાયેલી મુક્તિની કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું છે. એને પગલે આ ખાતાએ એક્સચેન્જને એપ્રિલ 2012માં કારણદર્શક નોટિસ મોકલી હતી. જો રમેશ અભિષેકના મતે એનએસઈએલના કોન્ટ્રેક્ટની મુદત મુક્તિનું ઉલ્લંઘન કરનારી હતી, તો પછી એમણે એન-સ્પોટ (નેશનલ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની અને એનએસઈએલની પ્રતિસ્પર્ધી) વિરુદ્ધ કેમ પગલાં સૂચવ્યાં નહીં. એન-સ્પોટમાં પણ 11 દિવસ કરતાં વધુની મુદતના કોન્ટ્રેક્ટ ચાલી રહ્યા હતા. એન-સ્પોટ અને એના દ્વારા એનએસઈની તરફેણ કરનારી આ બાબત રમેશ અભિષેકના બદઈરાદા સ્પષ્ટ કરે છે.

નોંધનીય છે કે 2019માં 63 મૂન્સ ટેક્નોલોજીસે પોતાની ગ્રુપ ઓફ કંપનીઝ વિરુદ્ધ કથિતપણે ષડ્યંત્ર રચવા બદલ રમેશ અભિષેક, કે. પી. કૃષ્ણન અને પી. ચિદમ્બરમ સામે સીબીઆઇ સમક્ષ ફોજદારી ફરિયાદ કરી હતી.