પહેલીવાર સમુદ્રમાર્ગે યુરોપ ગઈ આ કેરીઓ, કારણમાં ફાયદો…

લખનૌ- ઉત્તર પ્રદેશની ચૌસા અને દશહરી જેવી મીઠી મધુર કેરીઓની યુરોપમાં નિકાસ હવે સમુદ્ર માર્ગે પણ શરુ થઈ ગઈ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘણો ઘટાડો થશે. અત્યાર સુધી વિમાન મારફતે આ કેરીઓને યુરોપમાં મોકલવમાં આવતી હતી.

લખનૌની નજીક આવેલા મલીહાબાદના મેંગો પેક હાઉસમાંથી 10 ટન કેરીનો પ્રથમ જથ્થો સમુદ્ર માર્ગે યૂરોપ મોકલવા માટે ગુજરાતના પીપાવાવ પોર્ટ ખાતેથી રવાના કરી દેવામાં આવ્યો છે. આ માલ સ્પેનના રસ્તે થઈને 17-18 દિવસમાં ઈટલી પહોંચશે. આ ખેપ પ્રયાગરાજના એક વેપારીએ મોકલી છે.

માર્કેટપરિષદના અધિકારીઓના જણાવ્યા અનુસાર સમુદ્ર જહાજો મારફતે યૂરોપમાં કેરીની નિકાસનો ખર્ચ  અંદાજે 28 રૂપિયા પ્રતિ કિલો જેટલો થશે. તેની સામે આ જ કેરીને વિમાન મારફતે મોકલવામાં 120થી 125 રૂપિયા પ્રતિ કિલો ખર્ચ થાય છે.

સમુદ્ર માર્ગે કેરીની નિકાસ કરી રહેલી કંપની કુમાર એગ્રી ફાર્મિગે કેરીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે નવી વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. જેથી આ ભારતીની કેરીને આંતરરાષ્ટ્રીય તેમજ યૂરોપીયન બજારોમાં ગુણવત્તા સાથે વેંચી શકાશે.  મેંગો પેક હાઉસ રહમાનખેડા મલીહાબાદ લખનૌમાં ફળ, શાકભાજી માટે આ વર્ષે જ વેપર હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.

જેના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડો અને ફાયટો સેનેટરી ધોરણો મુજબ મેંગો પેક હાઉસમાંથી કેરીને પેકિંગ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ જ કારણે અહીથી ફળની ખેપ સમુદ્ર માર્ગે વિદેશમાં મોકલવી શક્ય બની છે. આનાથી આ વિસ્તારના કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોના માલની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાની પણ સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]