ફ્લિપકાર્ટે વોલમાર્ટ ઇન્ડિયાના હોલસેલ બિઝનેસને હસ્તગત કર્યો

નવી દિલ્હીઃ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ગુરુવારે ‘ફ્લિપકાર્ટ હોલસેલ’ને ભારતમાં સ્થાનિક કરિયાણા સ્ટોર અને નાના, લઘુ અને મધ્યમ કદના એકમો (MSMEs)ને સર્વિસ આપવા ડિજિટલ બજારમાં પદાર્પણ કરવાની જાહેરાત કરી છે. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વોલમાર્ટ ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો હસ્તગત કરવાની છે, જે અમેરિકાની રિટેલ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોલમાર્ટની સબસિડિયરી છે. આ કંપની દેશમાં બેસ્ટ પ્રાઇમ કેશ એન્ડ કેરી બિઝનેસનું સંચાલન કરે છે અને કંપનીએ એક નવું ડિજિટલ માર્કેટપ્લેસ ‘ફ્લિપકાર્ટ હોલસેલ’ લોન્ચ કર્યું છે. કંપનીની નજર દેશના 650 અબજ ડોલરના રિટેલ માર્કેટ પર છે.

‘ફ્લિપકાર્ટ હોલસેલ’ ઓગસ્ટમાં પોતાનો બિઝનેસ શરૂ કરશે

‘ફ્લિપકાર્ટ હોલસેલ’ ઓગસ્ટમાં પોતાનો બિઝનેસ શરૂ કરશે અને કરિયાણા અને ફેશન સેગમેન્ટમાં પોતાની સર્વિસ પૂરી પાડશે. ફ્લિપકાર્ટના આ નવા બિઝનેસની આગેવાની કંપનીના દિગ્ગજ આદર્શ મેનન કરશે, જ્યારે વોલમાર્ટ ઇન્ડિયાના CEO સમર અગ્રવાલ ટ્રાન્ઝેક્શન પૂરું થાય ત્યાં સુધી કંપનીમાં રહેશે. ત્યાર બાદ તેમને વોલમાર્ટમાં જ કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવશે.

15 લાખ સભ્યોને સર્વિસ આપવાનું ચાલુ રખાશે

ફ્લિપકાર્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે વોલમાર્ટ ઇન્ડિયાની બેસ્ટ પ્રાઇસ બ્રાન્ડ પોતાના 15 લાખ સભ્યોને 28 સ્ટોર્સ અને ઈ-કોમર્સની કામગીરીથી સર્વિસ આપવાનું ચાલુ રાખશે. જોકે વોલમાર્ટ ઇન્ડિયાના બિઝનેસિસની સાથે કામ કરતા કર્મચારીઓ ફ્લિપકાર્ટ ગ્રુપમાં સામેલ થશે.

સ્થાનિક ઉત્પાદકો અને વેચાણકર્તાઓ સાથે ભાગીદારી

નવા અનુભવની સાથે પ્રારંભ કરવા માટે કંપનીએ કહ્યું હતું કે સ્થાનિક ઉત્પાદકો અને વેચાણકર્તાઓને ફ્લિપકાર્ટ હોલસેલ વેપારની સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારોની સાથે કંપની અંતરિયાળ બજારો અને ઓછા ખર્ચે દેશભરમાં વ્યાપક રીતે ગ્રાહકો સુધી પહોંચવાના દાવા કકરી રહી છે. જોકે હાલના તબક્કે કંપનીએ ભાગીદારોના નામ નથી જણાવ્યાં.  ફ્લિપકાર્ટ હોલસેલના લોન્ચ સાથે હવે અમે દેશના નાના વેપારીઓ માટે ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સમાં અમારી ક્ષમતાઓનું વિસ્તરણ કરીશું, એમ ફ્લિપકાર્ટ ગ્રુપના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું.

ફ્લિપકાર્ટે વધારાના 1.2 અબજ ડોલર એકત્ર કર્યા

ફ્લિપકકાર્ટ દ્વારા વોલમાર્ટની આગેવાનીમાં એક નવું ફન્ડિંગ રાઉન્ડમાં વધારાના 1.2 અબજ ડોલર (આશરે 8,973 કરોડ) એકત્ર કરવામાં આવ્યા પછી આ હસ્તાતંરણ કરવામાં આવ્યું હતું. મે, 2018માં આર્કાસન્સ સ્થિત રિટેઇલરે ફ્લિપકાર્ટમાં 16 અબજ ડોલરમાં 77 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.