SEBIના ભૂતપૂર્વ ચેરમેન સામે FIRનો આદેશ, કોર્ટના નિર્ણયને પડકારશે સેબી

SEBIના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચ અને BSEના ટોચના અધિકારીઓ સામે FIR નોંધવાના મુંબઈની વિશેષ ACB કોર્ટના આદેશ બાદ SEBIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. માધવી પુરી બુચ પર આરોપ છે કે હિન્ડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથના શેરમાં ગેરરીતિના મામલે તેમનો અને તેમના પતિનો પણ સંડોવણી થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ દાવો કર્યો છે કે SEBIના ચેરમેન પદ પર રહ્યા દરમ્યાન, તેમણે લિસ્ટેડ સિક્યોરિટીઝમાં 36.9 કરોડ રૂપિયાના વેપાર કરીને નિયમનકારી ઉલ્લંઘન કર્યું હતું. SEBIના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચની કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે, અને તેમના સ્થાને પાંડેને નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. SEBIના નિયમ મુજબ, નિવૃત્ત ચેરમેનને સન્માન પૂર્વક વિદાય આપવામાં આવે છે, પરંતુ આ પ્રથા તેમના માટે અમલમાં મૂકવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે માધવી પુરી બુચનો 28 ફેબ્રુઆરીના રોજ કાર્યકાળનો છેલ્લો દિવસ હતો.

SEBI કોર્ટના આદેશને પડકારશે
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ સ્પષ્ટતા કરી છે કે તે આ આદેશ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેશે. સેબીનું કહેવું છે કે કોર્ટનો આ નિર્ણય નિરાધાર છે, અને તેઓ કાનૂની પ્રક્રિયામાં આ નિર્ણયને પડકારશે. SEBIના જણાવ્યા મુજબ, ફરિયાદી અગાઉ પણ આવા આરોપો લગાવી ચુક્યા છે, જેને કોર્ટ દંડ સાથે ફગાવી ચૂકી છે.

SEBI અને BSEના ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી
ACB કોર્ટે SEBIના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચ તેમજ સેબીના અન્ય ત્રણ સભ્યો – અશ્વિની ભાટિયા, આનંદ નારાયણ અને કમલેશ ચંદ્ર વાર્ષ્નેય – ઉપરાંત BSEના CEO સુંદરરામન રામામૂર્તિ અને પૂર્વ ચેરમેન પ્રમોદ અગ્રવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાની સુચના આપી છે.

SEBIનું વલણ: અમને નોટિસ આપવામાં આવી નહીં
SEBIએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ અધિકારીઓ કથિત કાનૂની ઉલ્લંઘન સમયે પદ પર પણ ન હતા. કોર્ટ દ્વારા FIR નો આદેશ આપતા પહેલા તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી ન હતી.

કોર્ટનો આદેશ અને કેસનો પાયો
આ કેસમાં અરજદારે દાવો કર્યો છે કે SEBIના અધિકારીઓએ તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી નથી. આરોપ છે કે તેઓએ બજારમાં ગેરરીતિઓને પ્રોત્સાહન આપ્યું અને લિસ્ટિંગ માટે યોગ્ય માપદંડો પૂરા ન કરતી કંપનીઓને મંજૂરી આપી. અરજદારે “કેલ્સ રિફાઇનરીઝ” કંપનીના સ્ટોક લિસ્ટિંગમાં થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. કોર્ટના આદેશ મુજબ, નિયમનકારી તંત્રની નિષ્ફળતા અને સંભવિત મિલીભગતના પુરાવાઓ દેખાઈ રહ્યા છે, જેનાથી સ્વતંત્ર તપાસ જરૂરી બની છે.

SEBIના ભૂતપૂર્વ ચેરમેન સામે કાનૂની કાર્યવાહી આગળ વધશે?
SEBIનો દાવો છે કે તેઓ કાયદાકીય રીતે આ મામલાને પડકારશે. આ કેસ ભારતીય શેરબજારમાં નિયમનકારી પ્રક્રિયાઓ અને પારદર્શિતાને લઈ મોટી ચર્ચા ઊભી કરી શકે છે. આગામી દિવસોમાં કોર્ટના આદેશ સામે SEBI શું પગલાં ભરે છે તે મહત્વપૂર્ણ રહેશે.