નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી માર્ચ, 2024 દરમિયાન ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ બલ્ક વપરાશકારોને વધારાના 25 લાખ ટન FCI ગોદામોમાંથી ઘઉં આપવા તૈયાર છે. જેનો હેતુ સ્થાનિક પુરવઠો વધારવાનો અને ભાવ વધારાને અંકુશમાં રાખવાનો હોવાનું કેન્દ્રના અન્ન સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વીકલી ઈ-લિલામીના માધ્યમથી (FCI) અત્યાર સુધી 44.6 લાખ ઘઉં જ્થ્થાબંધ ઉપભોકતાઓને વેચી ચૂકી છે. જેથી ખુલિલા બજારમાં ઓછા ભાવે ઘઉંના જથ્થામાં વધારો થયો છે, જેથી દેશમાં સામાન્ય ઉપભોક્તાઓને લાભ થયો છે.
આ વર્ષના મેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) જે ધાન્યની પ્રાપ્તિ અને વિતરણ માટેની નોડલ એજન્સી છે તેણે OMSS હેઠળ ઈ-લિલામ મારફત બલ્ક વપરાશકારોને સેન્ટ્રલ પુલમાંથી ઘઉં વેચવાનો આદેશ આપ્યો હતો. ઘઉં ઉગાડતાં રાજ્યોમાં પ્રાપ્તિ સમય સિવાયના વર્ષ આખામાં આ વેચાણ કરવાનું હતું.
ખુલ્લા બજારમાં પુરવઠો વધારવાના હેતુથી FCI દ્વારા ઈ-લિલામ મારફત સાપ્તાહિક જથ્થો ત્રણ લાખ ટનથી વધારી તાત્કાલિક અમલથી ચાર લાખ ટન કરાશે. `ભારત આટા’ બ્રાન્ડ હેઠળ ઘઉંના આટાનું સબ્સિડાઇઝ ભાવે વેચાણ કરવામાં આવે છે. તેનો જથ્થો જાન્યુઆરી આખર 2024 સુધી 2.5 લાખ ટનથી વધારી ચાર લાખ ટન કરાશે.
FCI ઘઉં સેન્ટ્રલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન જેવા કે નાફેડ, NCCF અને કેન્દ્રીય ભંડારને આટો બનાવવા વેચે છે. તેઓ `ભારત આટા’ બ્રાન્ડ હેઠળ કિલોદીઠ રૂા. 27.50ના વાજબી ભાવે મોબાઇલ આઉટલેટ મારફત વેચે છે. ખુલ્લા બજારમાં FCI સ્ટોક છૂટો કરવા ઉપરાંત સરકારે સ્થાનિક પુરવઠો વધારવા અને ભાવવધારાને રોકવા અન્ય પગલાં પણ લીધાં છે. ઘઉંના વેપારીઓ માટે સ્ટૉક મર્યાદા કડક બનાવવામાં આવી છે અને મે, 2022થી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.