લોકડાઉનમાં કર્મચારીઓને મોટી રાહતઃ ઘણી કંપનીઓએ એડવાન્સ પગાર આપ્યો

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આખો દેશ ઝઝૂમી રહ્યો છે, 21-દિવસનું લોકડાઉન અમલમાં છે, ઘણા લોકો ઘેરથી પોતપોતાની ઓફિસોનું કામ કરી રહ્યા છે ત્યારે ઘણી કંપનીઓએ એમના કર્મચારીઓને રાહત આપી છે. તેમણે કર્મચારીઓને એડવાન્સમાં પગાર આપી દીધો છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઈન્ડિયા બુલ્સ વગેરે જેવી કંપનીઓએ માર્ચ મહિનાનો પગાર એમના કર્મચારીઓના ખાતામાં જમા કરી દીધો છે.

ટીસીએસ, ઈન્ડિયા બુલ્સ, મેરિકો, મેટ્રો કેશ એન્ડ કેરી, એસબીઆઈ જનરલ જેવી કંપનીઓએ એમના કર્મચારીઓને માર્ચ મહિનો પૂરો થાય એ પહેલા જ માર્ચનો પગાર એમના ખાતામાં જમા કરી દીધો છે, જેથી લોકડાઉનને કારણે એમને રાહત થાય.

ટીસીએસ કંપનીએ 27 માર્ચે પગાર આપી દીધો હતો. કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં કંપનીએ જણાવ્યું છે કે, કોરોના વાઈરસના રોગચાળાને કારણે તેમજ દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કંપનીએ નક્કી કર્યું છે કે આપ સહુનો માર્ચ-2020નો પગાર 27 માર્ચે જ આપી દેવો.

સામાન્ય રીતે ટીસીએ કંપની એના કર્મચારીઓને મહિનાનો પગાર મહિનાના આખરી વર્કિંગ દિવસે આપતી હોય છે.

એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત 21-દિવસના લોકડાઉનને પગલે ટીસીએસ કંપનીના દેશભરમાં 85 ટકા કર્મચારીઓ પોતપોતાના ઘેરથી કંપનીનું કામ કરી રહ્યા છે. અન્ય કંપનીઓ કેમ્પસમાં જ રહીને કામ કરે છે.

મેરિકો કંપનીએ જાહેરાત કરી છે કે એણે માર્ચ મહિનાનો પગાર કર્મચારીઓના ખાતામાં એક અઠવાડિયા પહેલા જ જમા કરાવી દીધો છે.

ઈન્ડિયા બુલ્સ કંપનીએ 26 માર્ચે એના કર્મચારીઓને પગાર ચૂકવી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]