લોકડાઉનથી પેટ્રોલ-ડીઝલની માગ ઘટી

નવી દિલ્હીઃ કોવિડ-19થી લોકડાઉનને કારણે પેટ્રોલ અને ડીઝલની માગ સામાન્ય દિવસની તુલનાએ 10થી 20 રહી ગઈ છે. જેથી છેલ્લા 14 દિવસથી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી. દેશભરમાં પેટ્રોલ પમ્પો પર નીરવ શાંતિ છે. પેટ્રોલ અને ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઇન્વેન્ટરી વધી ગઈ છે. એટલા માટે કંપનીઓ ક્રૂડ ઓઇલ લઈ આવેલાં જહાજને પાછાં વાળી રહી છે.

લોકડાઉનને કારણે આયાત બિલ ઘટશે

નિષ્ણાતોનું માનવું છે કે જો 21 દિવસના લોકડાઉનને વધારવામાં આવશે અને આશરે ત્રણ મહિના સુધી લોકડાઉન રહેશે તો સરકારની આશરે રૂ. બે લાખ કરોડ બચત થશે, કેમ કે સરકારના આયાત બિલમાં મોટો ઘટાડો નોંધાશે. લાંબા સમય સુધીના લોકડાઉન (ત્રણ મહિના)ને લીધે આયાત બિલમાં 30 ટકાનો ઘટાડો થવાનો સંભવ છે.

દેશમાં 78,000 પેટ્રોલ પમ્પ પર સન્નાટો

દેશભરમાં આશરે 78,000 પેટ્રોલ પમ્પ છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 10 કરોડ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે અને આશરે 32 કરોડ લિટર ડીઝલનું વેચાણ થાય છે. આટલા મોટા પેટ્રોલ-ડીઝલના વપરાશકર્તા દેશમાં 80 ટકાથી વધુ આયાત પર નિર્ભર રહે છે. આવા સમયે પેટ્રોલ-ડીઝલની માગ ઘટીને એક તૃતીયાંશથી પણ ઓછી છે, જેથી આયાત બિલમાં ઘટાડો થશે. નાણાકીય વર્ષ 2018-19માં આયાત બિલ આશરે 7.8 લાખ કરોડ રૂપિયા હતું, જે લોકડાઉનને કારણે આ વર્ષે આશરે રૂ. બે લાખ કરોડ ઓછું રહેવાની શક્યતા છે.

સરકારને એક્સાઇઝનું નુકસાન

લોકડાઉનને કારણે માગ ઘટવાથી સરકારને એક્સાઇઝ ડ્યૂટીનું પણ નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી હતી, પરંતુ જ્યારે માગ જ નથી તો વેચાણમાં 80-90 ટકાનો ઘટાડો આવી ચૂક્યા છે. સામાન્ય દિવસની તુલનાએ સરકારને પ્રતિ દિન પેટ્રોલ પર રૂ. 206 કરોડ અને ડીઝલ પર રૂ. 550 કરોડનું નુકાસન થઈ રહ્યું છે. આમ સરકારને પ્રતિ દિન પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.