નવી દિલ્હી: હિન્દુસ્તાન યૂનિલીવર (એચયૂએલ) તરફથી પુરુષોની ત્વચાની સુરક્ષા સાથે જોડાયેલ પ્રોડક્ટ ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામ આપવા પર ઘરેલૂ એફએમસીજી કંપની ઈમામી લિ. એ વાંધો ઉઠાવ્યો છે. ઈમામીએ આ નામ પર તેનો ટ્રેડમાર્ક અધિકાર હોવાનો દાવો કર્યો છે. ઈમામીએ આ મામલે એચયૂએલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પણ સંકેત આપ્યા છે. કંપનીએ પહેલા જ પુરુષોની ફેરનેસ ક્રીમનું નામ ‘ઈમામી ગ્લો એન્ડ હેન્ડસમ’ કરી દીધું છે.
ઈમામીએ તેના નિવેદનમાં કહ્યું કે, ‘અમે એ જોઈને ચોંકી ગયા કે એચયુએલે તેની પુરુષોની ફેર એન્ડ લવલી શ્રેણીનું નવું નામ’ ગ્લો અને હેન્ડસમ’ રાખવાનું નક્કી કર્યું છે. ઇમામી ‘ફેર અને હેન્ડસમ’ બ્રાન્ડની માલિકી ધરાવે છે અને તેની પાસે ટ્રેડમાર્કના કાનૂની અધિકાર છે.
ઈમામી ગ્રુપે કહ્યું કે, એચયૂએલના આ પગલાથી અમને ઝટકો લાગ્યો છે પણ આ નવું નથી અનેક વખત એચયૂએલ અમારી બ્રાન્ડ વેલ્યુને નીચી દેખાડવા ગેરકાયદે વ્યાપાર વ્યવહારનો સહારો લે છે. ઈમામી આ મામલે એચયૂએલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કાયદા નિષ્ણાંતોની મદદ લઈ રહી છે.
મહત્વનું છે કે, એફએમસીજી ક્ષેત્રની પ્રમુખ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે ગુરુવારે કહ્યું હતું કે તેણે તેની લોકપ્રિય બ્રાન્ડ ફેર એન્ડ લવલીનું નામ ‘ગ્લો એન્ડ લવલી’ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોડક્ટની પુરુષ શ્રેણીનું નામ ‘ગ્લો અને હેન્ડસમ’ રાખવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હિન્દુસ્તાન યુનિલિવર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.