ડેટ્રોઇટઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ અને ટેસ્લાના CEO એલન મસ્કે ફરી એક વાર 97.3 કરોડ ડોલર (આશરે રૂ. 7235 કરોડ)ના શેર વેચ્યા હતા. તેમણે ટેક્સ ચૂકવવા માટે આ શેર વેચ્યા છે. ટેસ્લાના બંધ ભાવ પર કંપનીના 2.2 અબજ ડોલરના શેર ખરીદ્યા અને પછી ટેક્સ ચૂકવવા માટે 97.3 કરોડ ડોલરના શેર્સ વેચ્યા હતા, એમ સ્ટોક એક્સચેન્જમાં જણાવવામાં આવ્યું હતું.
વાસ્તવમાં ટેસ્લાએ વર્ષ 2012માં એલન મસ્કને સ્ટોક ઓપ્શન આપ્યા હતા. જે હેઠળ મસ્કને પ્રતિ ડોલર માત્ર 6.24ની કિંમતે કંપનીના આશરે 2.28 કરોડ શેર ખરીદવાનો વિકલ્પ મળ્યો હતો. મસ્ક પાસે આ વિકલ્પને પસંદ કરવા માટે વર્ષ 2022 સુધીનો સમય હતો. મંગળવારે ટેસ્લાના શેરની કિંમત 1054 ડોલર હતી. આ દરમ્યાન અમેરિકામાં એક કાયદો આવ્યો હતો, જે હેઠળ બધા શેરની ખરીદ કિંમત અને શેરના વાસ્તવિક મૂલ્યની વચ્ચે અંતર પર થયેલા કેપિટલ ગેઇનના 50 ટકા ટેક્સના રૂપે આપવાનો હોય છે. એલન મસ્કે આ સ્ટોક ઓપ્શન પસંદ કરવા માટે કંપનીના શેર ખરીદી પણ રહ્યા છે અને 50 ટકાનો ટેક્સ ચૂકવવા માટે તેમણે મોટા પાયે શેરો વેચવા પણ પડ્યા છે. આ પહેલાં સોમવારે મસ્કે ટેસ્લાના 9,34,000 શેર વેચ્યા હતા, જેની કિંમત આશરે 93 કરોડ ડોલર હતી. ગયા સપ્તાહે મસ્કે આશરે 6.9 અબજ ડોલરના શેર વેચ્યા હતા. શેરોના વેચાણ પહેલાં મસ્કે ટ્વિટર પર એક સર્વે દ્વારા લોકોને પૂછ્યું હતું કે શું તેમણે ટેસ્લામાં 10 ટકા હિસ્સો વેચવો જોઈએ, જેમાં મોટા ભાગના લોકોએ આ સવાલનો જવાબમાં હામાં આપ્યો હતો.
છેલ્લા એક સપ્તાહે મસ્કે આશરે 82 લાખ શેર વેચ્યા હતા, જેની કિંમત આશરે 8.8 અબજ છે. મસ્ક ટેસ્લામાં પાંચ ટકા હિસ્સો વેચી ચૂક્યા છે.