ચૂંટણી પરિણામોનો આંચકો પચાવી BSE સેન્સેક્સ રેકોર્ડ સ્તરે

અમદાવાદઃ ઘરેલુ શેરબજારો સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. ચૂંટણી પરિણામોના સપ્તાહના છેલ્લા દિવસે બજારે નુકસાન રિકવર કરી લીધું છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રમાં NDA સરકાર રચાવાના અહેવાલોએ શેરોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 76,795એ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.38 લાખ કરોડનો વધારો થયો હતો.

રિઝર્વ બેન્કે દ્વિમાસિક ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે સતત આઠમી વાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રોથ રેટનો અંદાજ સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો હતો. જેથી બજારની તેજીને વેગ મળ્યો હતો.

બજારની તેજી માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં NDA નેતાઓનાં નિવેદનો પણ છે. નરેન્દ્ર મોદીને NDAના નેતા પસંદ કરવામાં આવ્યા એ દરમ્યાન સહયોગી પક્ષોનાં નિવેદનોને બજારે સકારાત્મક લીધાં હતાં. તેમનાં નિવેદનોએ સરકારનાં કામકાજમાં બંધનોને જારી આશંકાઓને દૂર કરી હતી. શપથગ્રહણનો રસ્તો સાફ થતાં બજારે રાહતના શ્વાસ લીધા હતા. નવી સરકાર નવ જૂને સાંજે શપથગ્રહણ કરશે.

BSE સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 76,795.31 પોઇન્ટની રેકોર્ડ સપાટી સર કરીને ટ્રેડિંગ સેશનને અંતે 1618.85 ઊછળી 76,693.36ના મથાળે બંધ થયો હતો, જ્યારે NSE 50 ઇન્ડેક્સ 468.75 પોઇન્ટ વધી 23,290.15ના સ્તરે બંધ થયો હતો.  આ સાથે NSEનાં બધાં સેક્ટર તેજી સાથે બંધ થયા હતા. IT સેક્ટર 3.37 ટકા વધ્યો હતો. ઓટો, મેટલ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ કંપનીનો કુલ માર્કેટ કેપ રૂ. 423 લાખ કરોડને પાર પહોંચ્યું હતું, જે રૂ. 5.08 લાખ કરોડ ડોલરના બરાબર છે.