મુંબઈ, ૭ ડિસેમ્બર ૨૦૨૧: ડીએમઆર હાઈડ્રોએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થનારી ૩૫૬મી કંપની બની છે. કંપનીએ રૂ.૧૦ની મૂળ કિંમતના ૯,૯૬,૦૦૦ શેર, શેરદીઠ રૂ.૨૧ની કિંમતે ઓફર કરી રૂ.૨.૦૯ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ ૨૯ નવેમ્બર, 2021એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ડીએમઆર હાઈડ્રોએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ હરિયાણાસ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ ફરીદાબાદ ખાતે છે. કંપની હાઈડ્રોપાવર, ડેમ્સ, રોડ્સ અને રેલવે ટનલ્સ ક્ષેત્રે એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી અને ડ્યુ ડિલિજન્સ સર્વિસીસ પૂરી પાડે છે.
કંપની દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓમાં ડિઝાઇન અને એન્જિનિયરિંગ, ડ્યૂ ડિલિજન્સ અને રેગ્યુલેટરી, બિડ મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ અને ગુણવત્તા અને નિરીક્ષણને આવરી લેતા પ્રોજેક્ટ્સના સમગ્ર આયુષ્યચક્રનો સમાવેશ થાય છે.
મુંબઈ સ્થિત શ્રેની શેર્સ પ્રાઈવેટ લિમિટેડ, ડીએમઆર હાઈડ્રોએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડની લીડ મેનેજર હતી.
અત્યાર સુધીમાં ૧૨૫ કંપનીઓ બીએસઈ એસએમઈ પરથી મુખ્ય બોર્ડમાં સ્થળાંતર કરી ચૂકી છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ ૩૫૫ કંપનીઓએ બજારમાંથી રૂ.૩,૭૮૦.૨૧ કરોડ એકત્ર કર્યા છે અને ૬ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૩૫૫ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૧,૪૫૦.૨૧ કરોડ થયું છે, જે દર્શાવે છે કે બીએસઈ ૬૦ ટકાના બજાર હિસ્સા સાથે આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.