ટેક્નિકલ ખામી છતાં FY-22માં 1.19 કરોડ ITR ભરાયાં

નવી દિલ્હીઃ ઇન્ફોસિસના નવા ઇન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલમાં ટેક્નિકલ ખામીઓ સર્જાવા છતાં આવકવેરા વિભાગે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવામાં સપ્ટેમ્બરમાં દૈનિક ધોરણે વધીને 3.2 લાખ થયાં છે અને અત્યાર સુધી નાણાકીય વર્ષ 2021-22 માટે 1.19 કરોડ ITR ભરવામાં આવ્યા છે. વળી, એમાંથી 76.2 લાખથી વધુ કરદાતાઓએ ITR ભરવા માટે ઓનલાઇન પોર્ટલ થકી ભર્યા હતા, એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસે (CBDT)એ જણાવ્યું હતું.

ITRનું પોર્ટલ વિકસિત કરવાનો પ્રોજેક્ટ ઇન્ફોસિસને આપવામાં આવ્યો હતો. IT વિભાગના જણાવ્યાનુસાર 94.88 લાખથી વધુના ITR ઈ-ખરાઈ કરવામાં આવી ચૂકી છે, એમાંથી 7.07 લાખ ITR ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, એમ વિભાગે કહ્યું હતું.

IT વિભાગ દ્વારા ફેસલેસ એસેસમેમન્ટ-અપીલ-પેનલ્ટીની કાર્યવાહી હેઠળ કરદાતાઓ 8.74 લાખથી વધુ નોટિસ જોઈ ચૂક્યા છે, જેમાંથી 2.61 લાખથી વધુ કરદાતા તેમનો જવાબ આપી ચૂક્યા છે. ઈ-પ્રક્રિયા હેઠળ સરેરાશ 8285 નોટિસ જારી કરવામાં આવી ચૂકી છે, જેમાંથી સપ્ટેમ્બર, 2021માં દૈનિક ધોરણે 5889 જવાબો નોંધવામાં આવી રહ્યા છે. 7.68 લાખ TDS સ્ટેટસમેન્ટ સહિત 10.60 લાખથી વધુ સ્ટેચ્યુટરી ફોર્મ્સ સબમિટ થયા છે. આ ઉપરાંત ટ્રસ્ટો અને સંસ્થાઓનાં 1.03 લાખ ફોર્મ 10A પણ નોંધણી માટે જમા થયા છે. આ સાથે આધાર સાથે 66.44 લાખ કરદાતાઓના આધાર પેન-કાર્ડને લિન્ક કરવામાં આવ્યા છે અને 14.59 લાખ ઈ-પેનની ફાળવણી કરવામાં આવી છે.