વિમાન પ્રવાસ પર 14 ડોલર ‘ગ્રીન પેસેન્જર ટેક્સ’ લાદશે ડેન્માર્ક

કોપનહેગનઃ 2030ની સાલ સુધીમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનો ફેલાવો ઓછો કરે એવા સંપૂર્ણપણે સુરક્ષિત અને ટકાઉ ઈંધણના ઉપયોગ વડે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરી શકાય એ માટે ડેન્માર્કમાં સરકાર એરલાઈન ઉદ્યોગને આર્થિક રીતે મદદરૂપ થવા માગે છે. એ માટે તેણે વિમાન પ્રવાસ ઉપર 100 ડેનિશ ક્રાઉન (14.35 યૂએસ ડોલર)ની રકમનો સરેરાશ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ ટેક્સને લીધે વર્ષેદહાડે જે આવક થશે તેના અડધા ભાગની રકમનો ઉપયોગ આ દાયકાના અંત સુધીમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે માત્ર પર્યાવરણ અનુકૂળ ઈંઘણનો જ ઉપયોગ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના માટે કરવામાં આવશે. ગ્રીન ટેક્નોલોજીઝ એટલે હાઈડ્રોજન અને બાયો ફ્યૂઅલ વગેરે. આવકના બીજા અડધા ભાગનો ઉપયોગ દેશમાં વસતા વૃદ્ધ નાગરિકોને રોકડ રકમની સહાયતા માટે કરવામાં આવશે. ગ્રીન પેસેન્જર ટેક્સ 2025ની સાલથી તબક્કાવાર લાદવામાં આવશે. 2030ની સાલ સુધીમાં યૂરોપ ખંડની અંદર વિમાન પ્રવાસ માટે 9 ડોલર, મધ્યમ-અંતરની ફ્લાઈટ્સ માટે 34 ડોલર અને લાંબા અંતરની ફ્લાઈટ્સ માટે 56 ડોલર લાગુ કરાશે. (1 યૂએસ ડોલર સામે ડેનિશ ક્રાઉનની કિંમત 6.9706 થાય છે)

ડેન્માર્કના ક્લાઈમેટ, એનર્જી ખાતાના પ્રધાન લાર્સ આગાર્ડે કહ્યું છે કે દેશમાં અન્ય તમામ ઉદ્યોગક્ષેત્રોની જેમ એવિએશન ઉદ્યોગે પણ હરિત ભવિષ્ય (પર્યાવરણ માટે સુરક્ષિત હોય એવા ભવિષ્ય) તરફ આગળ વધવું જ પડશે.