ટેક્સાસઃ પર્સનલ કોમ્પ્યુટર્સની માગમાં ઘટાડા સામે ઝઝૂમી રહેલી ડેલ ટેક્નોલોજીસ ઇન્ક આશરે 6650 નોકરીઓમાં કાપ મૂકશે. આ રીતે ડેલ ટેક્નોલોજીસ હજારો કર્મચારીઓની છટણીનું એલાન કરવાવાળી એક વધુ IT કંપની બની ગઈ છે. ડેલના COO જેફ ક્લાર્કે એક મેમોમાં લખ્યું છે કે કંપની એવી સ્થિતિનો અનુભવ કરી રહી છે, જ્યાં ભવિષ્ય અનિશ્ચિત થતું દેખાઈ રહ્યું છે. કંપનીના પ્રવકતા મુજબ એ ડેલની કુલ વર્કફોર્સના આશરે પાંચ ટકા બરાબર છે.
કોરોના રોગચાળામાં PCનું વેચાણ વધ્યા પછી ડેલ અને અન્ય હાર્ડવેર બનાવતી કંપનીઓની નોંધપાત્ર માગ હતી. ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ IDCએ કહ્યું હતું કે પ્રારંભિક ડેટાથી માલૂમ પડે છે કે વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં પર્સનલ કોમ્પ્યુટર શિપમેન્ટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. IDC મુજબ મોટી કંપનીઓ- ડેલના શિપમેન્ટમાં 2021ના સમાનગાળાની તુલનાએ સૌથી વધુ 37 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડેલની કુલ આવકમાં PCનો હિસ્સો આશરે 55 ટકા છે.
ક્લાર્કે કર્મચારીઓને કહ્યું હતું કે ખર્ચ ઘટાડવાનાં પગલાં પર્યાપ્ત નથી રહ્યાં, જેમાં હાયરિંગ પર રોક અને સીમિત યાત્રાઓ સામેલ હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ રિઓર્ગેનાઇઝેશનની સાથે નોકરીઓમાં છટણીને દક્ષતા વધારવાની એક તકના રૂપે જોવામાં આવે છે.
હાલના મહિનાઓમાં છટણીઓના અહેવાલોથી ટેક સેક્ટર હચમચી ગયું છે. આ પહેલાં નવેમ્બરમાં PC માર્કેટથી જોડાયેલી એક અન્ય કંપની HPએ આશરે 6000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. એ પહેલાં IBM અને સિસ્કોએ કહ્યું હતું કે 4000 કર્મચારીઓની છટણી કરશે. ટેક કંપનીઓએ વર્ષ 2022માં 97,171 નોકરીઓમાં કાપ મૂક્યો હતો, જે એના અગાઉના વર્ષ કરતાં 649 ટકા વધુ હતું.