દિલ્હી બજેટઃ મહિલાઓને પ્રતિ મહિને મળશે રૂ. 1000

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન આતિશીનું આ પહેલું અને આપ સરકારનું 10મું બજેટ છે. વર્ષ 2024-25નું બજેટ રામ રાજ્યની થીમ પર આધારિત હતું. કેજરીવાલ સરકારે 18 વર્ષથી વધુની વયની દરેક મહિલાને પ્રતિ મહિને રૂ. 1000ની રકમ આપવાનું એલાન કર્યું છે. મુખ્ય મંત્રી સન્માન યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને આ રકમ મળશે.

નાણાં મંત્રીએ રૂ. 76,000 કરોડનું બજેટ રજૂ કરતાં કેજરીવાલ સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂ. 16,396 કરોડની ફાળવણી કરવામાં આવી છે.કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે આશાનું કિરણ છે. આપણે બધા રામ રાજ્યથી પ્રેરિત છીએ અને અમે રામ રાજ્યના સપનાને સાકાર કરવાની દિશામાં આકરી મહેનત કરી રહ્યા છે. બજેટમાં દિલ્હીની ગેરકાયદે કોલોનીના વિકાસ માટે રૂ. 902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ 2024-25માં મહિલાઓના વેલફેર અને સશક્તીકરણ માટે મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના હેઠળ રૂ. 2000 કરોડ ફાળવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. આ મનીષ સિસોદિયાનું વિઝન છે, જેને પગલે દિલ્હી સરકારના બજેટની ચર્ચા દેશ-વિદેશમાં થાય છે.

અમે અયોધ્યાની જેમ દિલ્હીમાં સમૃદ્ધિ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2014-15ની તુલનામાં દિલ્હીની પ્રતિ વ્યક્તિની આવક હવે રાષ્ટ્રીય સરેરાશથી આશરે 2.5 ગણી વધુ છે. એક ઇમાનદાર સરકાર હોવાને કારણે દિલ્હી સરકારની આવકમાં વધારો થયો છે, જે 2014-15ના રૂ. 30,000 કરોડથી વધીને આજે રૂ. 76,000 કરોડનું બજેટ રજૂ કરી રહી છું.