મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે નાણાં નીતિ સંબંધે સાવચેતીભર્યું વલણ રખાશે એવી જાહેરાત કરી હોવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ યથાવત્ રહ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.51 ટકા (177 પોઇન્ટ) ઘટીને 34,251 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,428 ખૂલીને 34,473ની ઉપલી અને 33,919 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કોઇન પોલીગોન, કાર્ડાનો, પોલકાડોટ અને ઈથેરિયમ હતા. ટોચના વધેલા કોઇનમાં લાઇટકોઇન, અવાલાંશ, ચેઇનલિંક અને એક્સઆરપી સામેલ હતા.
દરમિયાન, અગત્યની એક ઘટનામાં ભારતના ગૃહ મંત્રાલયે ક્રીપ્ટોકરન્સી સંબંધિત ગુનાઓને પકડી પાડવા માટે ક્રીપ્ટોકરન્સી ઇન્ટેલિજન્સ એન્ડ એનાલીસિસ ટૂલ (સીઆઇએટી) નામના ડાર્ક નેટ મોનિટરિંગ ટૂલની રચના કરી છે. ક્રીપ્ટોને લગતી કોઈ પણ ગેરરીતિને નિવારવા માટે એની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બીજી બાજુ, ભારતીય ક્રીપ્ટો એક્સચેન્જ – વઝીરેક્સનું માનવું છે કે ક્રીપ્ટોકરન્સી માટેના ઉંચા કરવેરાની સ્થિતિ વધુ બે વર્ષ ચાલશે અને પછી ભારત ક્રીપ્ટોકરન્સી માટે અનુકૂળ નીતિ ઘડશે.